સ્વપ્ન
આજ દિવસભર ચેતના વિચારો માં ખોવાયેલી રહી.એની નજર સમક્ષ સપનામાં જોયેલો એક નદીનો પહોળા પટમાં ફેલાયેલો ધસમસતા પાણીનો પ્રવાહ તરવરતો હતો.બે કાંઠા ની ભેખડો ની ઊંચાઈ ને આંબવા મથતો એ પ્રવાહ ! શું સૂચવતો હતો ? કાળની ગતિ ?
પોતાને અને મયૂર ને એણે એ પ્રવાહ ના કાંઠે એક બાળક સાથે ભેખડ પર આવેલા મંદિર ના પ્રવાહ સુધી લંબાયેલા ઓટલા પર ઉભેલા જોયા. ઓટલાના છેડે પહોંચી એ જળપ્રવાહ ને જોતાં એની ભયાનકતા એને ડરાવી ગઈ, "મયૂર ! જલ્દી જલ્દી ચલ " એ ત્યાંથી બાળકને ખેંચી પાછી વળી. પણ મયૂર ! એ તો ત્યાં સ્થિર થઈ ગયો ,એ બૂમો પાડતી હતી પણ મયૂર જાણે સાંભળતો જ ન હતો.કોઇ અનંત લયમાં એકાકાર થતો જતો હતો. એ જ્યાં ઉભો હતો એ ખૂણા ઉપર પાણી ની છોળ આવતાં જોઇ ચેતનાની ની ચીસ ગળામાં જ થીજી ગઇ એ શું થાય છે એ સમજે તે પહેલાં મયૂર એ પ્રવાહ માં ગરક થઇ ગયો. આજુબાજુ કોઈ જ આ જોનાર હતું નહીં.
એ જ વખતે બાજુમાં સૂઈ રહેલા મયૂર નો હાથએના હાથ પર પડ્યો એ જાગી ગઇ.
દિવસ દરમ્યાન આ દ્રશ્ય સ્મૃતિપટ પર આવ્યા જ કરતું રહ્યું. આ સ્વપ્ન શું સૂચવતું હશે. મયૂર જાણે મને સાંભળતો જ ન હતો. કોઇ પ્રતિક્રિયા કેમ ન બતાવી? બીજી
દુનિયામાં એકાએક સરી ગયો.સ્વપ્ન માં પતિથી થયેલી આ જુદાઈ ચેતનાને કંપાવતી રહી.વાસ્તવિકતા તો ન હતી પણ એ
દ્રશ્ય એને વારંવાર દેખાતું હતું.ભવિષ્યમાં મયૂર મને આમ છોડીને જતો રહેશે તો? અને આ જુદાઈ શાશ્વત કાળની થઇ જાય તો ! ના ,ના ! હું એના વગરની જિંદગી જીવી શકીશ?
ધીરે-ધીરે એ માત્ર સપનું હતું વાસ્તવિકતા નથી એમ એ મનને સમજાવતી રહી પણ હવે આ સ્વપ્ને એને બીજી રીતે વિચારતી કરી. જો હું સપનામાં પણ મયૂરથી જુદા થવાનું સહી શકતી નથી તો મારા માટે મયૂર કેટલો અભિન્ન છે,મારી પોતાની જાત જેટલો એ મારામાં સમાઇ ગયો છે.
સમર્પણ કોનું વધારે કહેવાય?મારા પોતાના કરતાં દરેક બાબતમાં એ મારાથી ચઢિયાતો છે છતાં દરેક બાબતમાં મારા અભિપ્રાય ને માન આપે છે મારી જીદ, મારી માગણી, મારી ઈચ્છા પુરી કરતો રહ્યો છે એ તો મને કેટલીય વાર જણાતું હતું
પણ મેં એને ક્યારેય જણાવા જ ન દીધું . હંમેશા મારી મરજી ચલાવી.એની ઇચ્છા, એની સ્પેસ, એની અભિવ્યક્તિને સ્થાન જ ન આપ્યું. એના વ્યક્તિત્વ ને મેં દાટી દીધું છે ક્યાંક એવો ઇશારો તો આ સ્વપ્ન કરતું નથી ને ?
હું મયૂરને ખોવાવા નહીં દઉ . મને મળેલા આ અતિશય પ્રેમાળ સાથીની કિંમત હું મારી સામે ઓછી નહીં આંકુ.હવે આપીશ અઢળક પ્રેમ એન્ડ નૉ પઝેસીવનેસ!
અને આ વિચારને અમલમાં મૂકવાની શરૂઆત પોતાને ગમતા નહીં પણ મયૂર ને ગમતાં સાડી બ્લાઉઝ પહેરીને મયૂરને ભાવતી મકાઈની ખીચડી બનાવવા થી કરી દીધી.