વાંસળી વાગેને રાધા જાગે રખેને એ કાનાની હોય.
અંતરમાં સૂર એના ગાજે રખેને એ કાનાની હોય.
વાટ જોતી રાધા આમતેમ જુએ ના મળે એની ભાળ
ઝાડવાંને જોતરીને આજે હીંચકો બાંધેલ છે ખોઈ.
આવે જો કાન તો એને ઝૂલાવવા હૈયું એનું કેવું ઝંખે,
થાકી રાધા માથે મેઘ ગાજે, આંખ્યું રાતી રોઈ રોઈ.
ત્યાં તો વ્હાલમ વિઠ્ઠલને જોયા લપાતા છૂપાતા આવે
આંખમાં ભર્યા એના અવાજે, ના ધરાય એ જોઈ જોઈ.
ઝૂલે છે કાનને રાધા ઝૂલાવે મીઠાં મીઠાં ગીતડાં ગાતી,
ત્રિદેવ આવ્યા ત્યાં દર્શન કાજે, ભાગ્ય સરાહે કોઇ કોઈ.
- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.