વરસવું નહિને વ્યોમે વિહરવાનું આ ક્યાંનો ન્યાય ?
રોજેરોજ ઘટાટોપ થૈ ગરજવાનું આ ક્યાંનો ન્યાય?
છે જળ ભર્યું વાદળે તો પછી વરસીને વહાલાં થાવને
શું કામ લ્યો છો અપજશ સંઘરવાનું આ ક્યાંનો ન્યાય?
સમય ચૂક્યોને ધૂળ બૂક્યો કેમ એ ભૂલી જાવ છો તમે?
શાને ભૂલ્યા છો તમે વરસવાનું આ ક્યાંનો ન્યાય?
સંઘરનારની હંમેશાં ટીકા જ થાય છે આપી જાણોને
તમારું આ વર્તન કોઈને ના ગમવાનું આ ક્યાંનો ન્યાય?
મેઘ તો દાતાર ગણાય છે તો પછી આ કંજૂસી શાની?
શું નથી મન થતું અનરાધારે ખાબકવાનું આ ક્યાંનો ન્યાય?
- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.