સુકાયેલું પીળું ફૂલ”
સુકાઈ ગયેલા ફૂલોમાં પણ,
ક્યારેક જીવતી લાગણીઓ મળી આવે છે…
તને યાદ છે? તે આપ્યું હતું એક પીળું ફૂલ
જેમાં લાગણીઓ ભરી હતી ભરપૂર
યુવાની ના અંકુર તો હજી ફૂટ્યા જ હતાં
અને પ્રેમ ના ઉંબરે પદાર્પણ કરી દીધા
પીળો રંગ પથરાઈ ગયો જીવન માં
થઈ ગઈ સવાર હું તો સૂરજ ના રથ માં
મહેકી ઊઠી આખી સૃષ્ટિ મારી
પીળા ફૂલ એ સુગંધ નો જાદુ કરી
તારી રાહ જોવાની પણ મજા આવતી
સાથે રહેવું એ રોજિંદી આદત બની ગઈ
તું ના આવે તો મન માં ઊથલપાથલ થાય
લાગણીઓ ના દરિયા માં વંટોળ સર્જાય
જોયા અનેકો સ્વપ્નો સાથે રહેવાના
એક નાનકડો સંસાર વસાવવાના
સંસાર માંડવો આપણા હાથ માં નથી
તકદીર ને બદલવું એટલું સહેલું નથી
પહેલો પ્રેમ હતો, અને સફર ની ખબર નહોતી
મેં તો પીળું ફૂલ મૂક્યું ડાયરી માં મારી
એ તો સુકાઈ ગયું, પણ હજી નથી ખરતું
લાગણીઓ નું ઝરણું મૂક્યું ક્યાંક વહેતું
આજે અચાનક જ ખોલી મારી ડાયરી
એ પળો ના સંસ્મરણો માં ખોવાઈ ગઈ
ન્હોતી લખી વિધાતા એ મારી હથેળી માં
તારી સાથે ના મિલન ની રેખા
કેટલીક યાદો ભૂલાતી નથી,
એ તો ડાયરીના પાનાં વચ્ચે જીવતી રહે છે…