વરસવામા વિલંબ કરવો એ હવે તને શોભતું નથી.
આવી જા અનરાધારે જળ વિના ધરાને ગમતું નથી
ખાલીપો નદીનાળાંને સરોવરોનો જોયો જાતો નથી.
વરસાવી નીરને ભરી દે એને તને કીધું કૈ અમથું નથી.
દશા તો જો કિસાનોની અને આ અબોલ પશુઓની,
સત્વરે વરસી જા મનમૂકીને કે પછી તને દેખાતું નથી.
જોને આભેથી અગન વરસાવે સૂર પણ નિર્દય બની,
ઠેરઠેર 'પાણીપાણી' ના પોકારો પડતા એ જોવાતું નથી.
ધરા પણ પોકારી ઉઠી છે ' ત્રાહિમામ્ ' અગનઝાળે,
ઠારી દે સાંબેલાધારે આવીને તને કાંઈ બસ થતું નથી?
- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.