શક્તિનું શિખર: નારી
સહનશીલતાની મૂર્ત કહેવાય, તોય હૈયે હિમાલય રાખે,
લાગણીઓના પૂર વહે છે, પણ હોઠે સ્મિત અકબંધ રાખે.
જતું કરવાની ભાવના એની, દુનિયા સમજી ના શકી કદી,
ત્યાગના દરિયે ડૂબીને પણ, મર્યાદાની પાળ અકબંધ રાખે.
રેલાય ભલે જોક્સના ઝરણાં, એની મજાક ભલે ઉડાવાય,
પણ એ જ હાસ્યની પાછળ, આખા ઘરની ખુશી સચવાય,
ટીકાઓના તીક્ષ્ણ બાણોને, એ સહે એ છે ફૂલની જેમ,
પથ્થર દિલના સમાજ સામે, એ જીતે છે વ્હાલની જેમ.
ધગધગતા અંગારા પર ચાલી, એણે રસ્તો કંડાર્યો છે,
પોતાના સપના હોમીને, બીજાનો સંસાર સવાર્યો છે.
નથી અબળા, નથી બિચારી, એ તો શક્તિનો અવતાર છે,
આત્મવિશ્વાસના બખ્તર પહેરી, એ જ વિજયનો પડકાર છે.
ઝૂકશે નહીં, રોકાશે નહીં, હવે એ રણચંડી બની ગાજશે,
કસોટી ભલે ગમે તે હોય, એ આત્મગૌરવ સાથે જ રાજશે.
કરો વંદન એ હિંમતને, જે હારીને પણ હસતી રહે છે,
સ્ત્રી એટલે જ સ્ત્રી છે, "સ્વયમ્'ભૂ" જેના થી આખી સૃષ્ટિ ધબકતી રહે છે!
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"