ખાટીમીઠી પળો જીવનની બસ માણી લઈએ.
ને એકમેકને રુચે એવી મધમીઠી વાણી કહીએ.
નથી હોતું સમાંતર માનવજીવન કદી ક્યારેય,
વળી વળાંક લેતા ટ્રેકમાં જીવનને ગોઠવી દઈએ.
મતભેદને મનભેદ લગી ભૂલેચૂકે ના પહોંચાડીએ,
જ્યાં હો ઘર્ષણ ત્યાં સ્નેહનું ઊંજણ પૂરાવીએ.
હારીને જીતવુંને વળી જીતીને હારવાની જિંદગી,
પહેલ કરી મેલી અહમ્ રૂઠેલાંને સત્વરે મનાવીએ.
તો વરસવાના આશિષ ચોક્કસ વિનસના મનમૂકી,
ઊભયના દામ્પત્યને સમજશક્તિથી વિકસાવીએ.
સંપ, સ્નેહ, સહકાર, સત્ય, સામાધાન સીડી એની,
પડકારીને નહિ કિન્તુ સ્વીકારીને જીવન દીપાવીએ.
બની જાય જિંદગી મઘમઘતી પ્રેમપ્રાબલ્ય પરિબળે,
લક્ષ્મીનારાયણ સમું વીતે જીવન એવું સૌ ઉચ્ચારીએ
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.