અછાંદસ કાવ્ય:–
શિર્ષક:"મૌનનો મહાસાગર: બાપ"
ઘરની જે ભીંતો પર ભાર છે છતનો,
એ ભીંતોમાં ધરબાયેલો અવાજ એટલે બાપ.
જેની આંખમાં ચોમાસું તો હોય છે,
પણ ક્યારેય નેવાં નથી વરસતા,
કોઈ પણ અવાજ કે ડૂસકાં વગર,
ભીતરે ભીતરે જે રોવે છે... એ બાપ છે.
મા ભલે નવ મહિના બાળકને પેટમાં રાખે,
પણ એ નવ મહિના જે મગજમાં ચિંતા છુપાવે,
આખી જિંદગીના ભારને હસતા મુખે વેંઢારે... એ બાપ છે.
પોતાના ચંપલની પાની ઘસાઈ જાય,
રસ્તાના પથ્થરો પગને ચચરાવે,
પણ સંતાનોના પગમાં નવા 'બૂટ-સેન્ડલ' જોઈ
જેના ચહેરા પર ગજબનું સ્મિત મલકાય... એ બાપ છે.
દુનિયા આખી સામે જે પહાડ થઈને ઊભો રહે,
પણ દીકરીને વળાવતી વખતે જે અંદરથી ભાંગી પડે,
ક્યારેય પોતાના દુઃખનું પ્રદર્શન ન કરે,
બસ, મનમાં ને મનમાં બધું સહી લે... એ બાપ છે.
ખોબો ભરીને વહાલ આપતા તો સૌને આવડે,
પણ દરિયો ભરીને દુઃખ પી જઈને,
હોઠ પર ‘હું બેઠો છું’નું આશ્વાસન રાખે..."સ્વયમ’ભુ" એ બાપ છે.
– અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"