વિષય : વૃદ્ધાશ્રમ — સંબંધોની હાર શિર્ષક: 'ઘર' થી 'ઘરડાઘર' સુધીનો આધુનિક વળાંક,"
પ્રકાર: અછાંદસ કાવ્ય
શહેરના સૌથી પોશ વિસ્તારમાં
એક આલીશાન બંગલો ઊભો છે,
જેના ઉંબરે 'સ્વાગતમ' લખેલી ટાઇલ્સ
ચકચકિત ચમકે છે...
પણ એ ઉંબરો ઓળંગીને
ઘરના બે જીવંત હરફ 'મા' અને 'બાપ'
આજે સરનામું બદલી રહ્યા છે.
સંબંધોની હાર?
ના, આ તો અપેક્ષાઓનું એન્કાઉન્ટર છે!
જે હાથોએ તેડ્યા હતા,
જે આંગળીએ ચાલતા શીખવ્યું હતું,
એ જ આંગળીઓ આજે
વૃદ્ધાશ્રમના ફોર્મ પર સહી કરતી વખતે
જરાય ધ્રૂજતી નથી...
કેવી અદભૂત કહેવાય આ પ્રગતિ!
દીકરાએ વિદેશમાં ડોલર કમાયા,
વહુએ ડ્રોઈંગરૂમમાં મોંઘા સોફા ગોઠવ્યા,
પણ ખૂણામાં પડેલી પેલી જૂની લાકડી અને
ખોંખારો ખાતી એ બે ખુરશીઓ
ઈન્ટિરિયર ડિઝાઈનમાં નડતી હતી.
હવે ત્યાં શાંતિ છે...
કદાચ સ્મશાન જેવી જ શાંતિ.
ત્યાં હવે કોઈ સલાહ આપનાર નથી,
કોઈ જૂની વાતોનું વળગણ નથી.
પેલી તરફ, વૃદ્ધાશ્રમની બારીએ
બે જોડી આંખો હજી પણ રસ્તાને તાકી રહી છે,
એક આશામાં કે કદાચ...
કદાચ એ ‘વ્યસ્ત’ શિડ્યુલમાંથી
થોડો સમય 'માણસ' થઈને કોઈ આવશે.
મંદિરોમાં પથ્થરને દૂધ ચઢાવનારો આ દેશ,
જીવતા તીર્થોને આશ્રમમાં પધરાવી આવ્યો છે.
આ સંબંધોની હાર નથી,
આ તો માણસાઈના દેવાળિયાપણાનું
"સ્વયમ’ભુ"એક વરવું પ્રદર્શન છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"