અછાંદસ કાવ્ય: શિર્ષક: આપણી પ્રથા:એક વિશ્વ ધરોહર
સીમાડાઓની લકીર થી પર,
જે વહે છે રક્ત બનીને ભારતીયોના હૃદયમાં,
એ જ છે આપણી પ્રથા.
એ કોઈ જડ નિયમોની સાંકળ નથી,
પણ પેઢીઓની સમજણનો નિચોડ છે.
જ્યારે પશ્ચિમ 'હું' ના કવચમાં કેદ હતું,
ત્યારે આપણી પ્રથાએ 'વસુધૈવ કુટુંબકમ્' ના નાદ સાથે,
આખા વિશ્વને ઉંબરે લાવીને બેસાડ્યું હતું.
અતિથિના ચરણ પખાળતી એ હસ્તરેખાઓ,
આજે 'ગ્લોબલ હોસ્પિટાલિટી'નું સરનામું બની છે.
કંકુ-ચોખાના તિલક પાછળ છુપાયેલું એ સન્માન,
આજે માનવતાની મશાલ બનીને જગ મગે છે.
આપણી પ્રથા એટલે...
નદીઓને લોકમાતા કહેવાની ઉદારતા,
વૃક્ષોમાં વાસુદેવ જોવાની દિવ્યતા,
અને શૂન્યમાંથી બ્રહ્માંડ સર્જવાની એ ગહનતા.
યોગની મુદ્રાઓમાં જે લય છે,
એ માત્ર શરીરની કસરત નથી,
ભારતની એ પ્રાચીન પ્રથા છે,
જેણે અશાંત વિશ્વને 'શાંતિ' નો અર્થ સમજાવ્યો છે. માટે આજે વિશ્વ એ યોગ દિવસ ઉજવતો થયો છે.
આપણી પરંપરાના રંગો આજે,
ન્યુયોર્કની ગલીઓથી લઈને લંડનના ચોક સુધી,
ને પૂર્વ થી લઈને પશ્ચિમ અને ઉત્તર થી લઈને દક્ષિણ સુધી,
બધા વિશ્વના દેશોમાં ઉત્સવ બનીને છલકાય છે.
આ પ્રથા એ જ આપણી સાચી ઓળખ છે, "સ્વયમ’ભુ"
જે ભારતને વિશ્વ ફલક પર વિશ્વની આત્મા બનાવે છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ"