પાર્વતી સીતા રાધા
દક્ષ પ્રજાપતિને ત્યાં
સાઇઠ પુત્રીઓ અવતરી હતી. તે પૈકીની સ્વધા નામક દીકરી પિતૃઓને પરણાવી હતી.
તેને ઉત્તમ ભાગ્યશાળી ત્રણ પુત્રીઓ થઈ. તેમનાં મંગલદાયક નામો છે મેના, ધન્યા ને કલા.
તે પુત્રીઓ માનસિક સૃષ્ટિથી જન્મી હતી. તે ત્રણે લોકમાતાઓ શ્રેષ્ઠ યોગિની અને જ્ઞાનના
ભંડાર સ્વરૂપ હતાં. એક સમયે ત્રણે બહેનો શ્વેત દ્વીપમાં વિષ્ણુનાં દર્શન-હેતુ ગયાં. ત્યાં મોટો
સમાજ ઉપસ્થિત હતો. તેથી સ્તુતિ કરીને એક બાજુ બેઠક લઈને બેસી ગયાં.
એ વખતે ત્યાં સનકાદિ મુનિઓની પધરામણી થઈ. તેમને જોતાં જ આખી સભા
ઊભી થઈ ગઈ, પરંતુ આ ત્રણ બહેનો, દૈવને વશ થઈને ઊભી થઈ નહિ, એટલું જ નહિ, વંદન
પણ કર્યાં નહિ. સનકાદિ મુનિઓ જ્ઞાની હોવા છતાં તેઓને પણ દૈવયોગે ગુસ્સો ચઢ્યો.
તેમણે શાપ આપ્યો : “તમે પિતૃઓની કન્યાઓ છો, છતાં તમે મનુષ્યની જેમ મૂઢ અને ગર્વિષ્ઠ
થયેલી છો. માટે તમે સ્વર્ગમાંથી દૂર થઈ જશો.’
આથી ત્રણેય બહેનો ખૂબ જ વિસ્મય પામી. પછી સનકાદિ મુનિઓના ચરણમાં પડીને
તે વિનંતી કરવા લાગી : “હે દયાળુ મુનીશ્વરો, અમે મૂઢ બનીને આપને પ્રણામ ન કર્યાં તેનું ફળ અમને પ્રાપ્ત થઈ ગયું છે. પરંતુ આપ તો કૃપાળુ છો, દયાળુ છો. અમારા ઉપર કૃપા કરો.”
સનત્કુમાર પ્રસન્ન થઈને કહે : “હે પિતૃઓની પ્રિય દીકરીઓ ! તમોને હું શાપનો ઉદ્ધાર કહું છું. તમારામાં મોટી દીકરી મેના છે, તે વિષ્ણુના અંગરૂપ હિમાલયની પત્ની થશે.
તેને પાર્વતી નામે પુત્રી થશે. યોગિની મેના પાર્વતીના પતિ શિવના વરદાનથી એ જ શરીરે પરમ પદ કૈલાસને પામશે. બીજી ધન્યા છે, જે જનક રાજાને વરશે આવનારા જન્મમાં તે સુનયના થશે અને મહાલક્ષ્મીજી
સીતાના સ્વરૂપે તેનાં પુત્રી થશે. તે વિષ્ણુના અવતાર શ્રીરામને વરશે. ધન્યા જીવનમુક્ત બનીને વૈકુંઠ પામશે.
ત્રીજી કલાવતી છે. આ કન્યા વૈશ્ય વૃષભાનુની પત્ની થશે, તેનું નામ કૃતિ થશે તેમજ તેને ત્યાં રાધા નામની પુત્રીનો જન્મ થશે, જે ગુપ્ત સ્નેહથી વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણની પત્ની થશે. કલાવતી (કૃતિ) પોતાની કન્યા રાધા સાથે ગોલોકને પામશે. દુઃખ પામેલાંને છેવટે સુખ પ્રાપ્ત થાય છે. વિપત્તિ
વિના મોટાઈ પણ મળતી નથી. તમને વિષ્ણુનાં દર્શન અને કૃપાથી પુનઃ સ્વર્ગ પ્રાપ્ત થશે.” આ મુજબ કહીને સનત્કુમારો તે સ્થળેથી અદૃશ્યમાન બન્યા. ત્રણે બહેનો પણ પાપ-
રહિત થઈ તરત જ પોતાના ઘરે ગઈ.
https://www.facebook.com/share/p/1Fxv6vdPDV/