*SIR અને સરકારી સિસ્ટમ પર કટાક્ષ કરતી મારી કવિતા અહીં પ્રસ્તુત કરું છું*
વિષય: SIR પર કટાક્ષ કાવ્ય: શિર્ષક: 'શિક્ષક નહિ, BLO બનો!' રચના: અશ્વિન રાઠોડ (સ્વયમ’ભુ’)
અધિકારીની અટારીએથી હુકમ થયો,
"શાળા બંધ, ચોપડા મૂકો! હવે SIR લ્યો!"
ચૂંટણી પંચ કહે: "મતદાર યાદી મહાન,
શિક્ષણ તો ગૌણ છે, લોકશાહીનું ગાન!"
*પહેલો પડાવ: શાળાનો ખાલી ખંડ*
કોઈ વર્ગખંડમાં નથી ઘંટડીનો નાદ,
ખુરશી ખાલી, બ્લેકબોર્ડ પર મળે ધૂળનો સાદ.
'ક' કલમનો ઘૂંટ હવે ક્યાંથી મળે?
શિક્ષક ફરે છે ઘરે-ઘરે, એ BLO ના વેશમાં મળે.
બાળક બેઠું ઘેર, પાઠ્યપુસ્તક થયું બંધ,
ભવિષ્યની ઇમારતના પાયાનો તૂટ્યો સંબંધ.
'ગુરુજી ક્યાં ગયા?' પૂછે કુમળું મન,
સરકાર કહે: "ગુરુજી બન્યા પ્રજાના ગણતંત્ર રતન!"
*બીજો પડાવ: ડબલ બોજ, અસહ્ય તાણ*
ખભે બે બોજ, એક ચોપડો, બીજો મતદારપત્ર,
રાતે ઉજાગરા, દિવસે ઓફિસના કડક છત્ર.
શિક્ષકનું કામ છે ચારિત્ર્યનું ઘડતર,
પણ અહીં તો સતત માનસિક ટોર્ચર!
નવા શિક્ષકોની ભરતી નથી, ત્યાં જૂના તૂટે?
ખુદના જીવનની ગાડી ક્યાંક અધવચ્ચે ખૂટે.
માથે બોજ, ને તણાવનો વધે છે ભાર,
એક શિક્ષક રૂપી દીપક બુઝાયો, જે સુસાઈડનો થયો શિકાર.
પંચ કહે: "આ તો ફરજ છે, દેશ માટે બલિદાનની,"
પણ શિક્ષકનું જીવન શું, માત્ર મત ગણવાના સામાનની?
*ત્રીજો પડાવ: કટાક્ષનો ઘા*
હે સરકાર, તને બાળકોનો કલરવ ન સંભળાય?
કે તારી આંખને માત્ર વોટબેંક જ દેખાય?
ચૂંટણી પંચની તુલામાં જીવન તળિયે જાય,
ને લોકશાહીનો પાયો શું ખાલી વર્ગ પર રચાતો જાય?
શિક્ષણની જગ્યાએ BLO, એ કેવી ગજબની રીત!
મૃત્યુ થાય શિક્ષકનું તો પણ કઠોર પ્રીત.
કહો, ક્યાં છે એ રાષ્ટ્રનિર્માણનો સાચો પાયા,
જ્યાં ગુરુજનોને મત ગણવા પાછળ નચાવ્યા.
*સવાલ છે અંતિમ મારો:*
અરે ઓ નીતિ નિર્ધારકો, જરા તો રોકો આ ખેલ,
વિદ્યા મંદિરને ના બનાવો ચૂંટણીની જેલ.
આત્મહત્યા નહીં, શિક્ષકને ભણાવવા દો પાઠ,
નહિતર તૂટશે ભારતનું ભવિષ્ય, ને પડશે "સ્વયમ’ભુ’" મોટી ગાંઠ!
અશ્વિન રાઠોડ (સ્વયમ’ભુ’)