હાથનાં કર્યાં હૈયે વળગવાના એ નક્કી.
છાપરે ચડીને પાપ પોકારવાના એ નક્કી.
કોઈનું કર્મ ક્યારેય કદી એળે જતું નથી.
વહેલામોડાં ફળ તો પાકવાના એ નક્કી.
અહંની નિશામાં સારાસાર વિવેક જતો,
ખોટું કરનારા આખરે હારવાના એ નક્કી.
સદાચાર તો સર્વેશ્વરને પણ પ્રિય સદાએ,
સત્કાર્યો કરનારા અંતે જીતવાના એ નક્કી.
ગોળ છે એ તો અંધારે પણ મીઠો લાગશે,
સુકૃતો સુવાસ થકી પ્રસરવાના એ નક્કી.
નથી કોઈ ભેદભાવ નાનામોટાનો હરિદ્વારે,
પુણ્યપાથેય લૈ જનારા હરખવાના એ નક્કી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.