વ્યક્તિને આપણે જ્યારે અપનાવીએ ત્યારે એનું બધું જ અપનાવવાની તાકાત પણ રાખવી પડે. એ એનો ગુસ્સો હોય કે એનો પ્રેમ. અપનાવવો જરૂરી છે.
એ વ્યક્તિને પ્રોમિસ ડે પર કોઈ પ્રોમિસ નહિ આપો તો ચાલશે. પણ જ્યારે એ ગુસ્સે હોય ત્યારે તમારે એને શાંતિથી સાંભળી લેવાની પણ તાકાત રાખવી. એના ગુસ્સાનો જવાબ પ્રેમથી આપવો એ પણ એક પ્રોમિસ જ છે.
એક જ દિવસમાં બધા વાયદા વચન આપી અને રોજ મુજબનું જીવન જીવવું એ પ્રેમ નથી.
પ્રેમ અને પ્રોમિસ બંને ત્યારે જ પૂરાં થયા ગણાય જ્યારે તમે કોઈ વ્યક્તિને સાચા દિલથી અપનાવી હોય.
નદી કોઈ દિવસ સાગરને પ્રોમિસ નથી આપતી કે હું તારા માં જ ભળીશ. છતાં નદી પોતાનું છેલ્લું ટીપું પણ સાગરમાં સમાવી લે છે. ના ક્યારેય સાગરનું પાણી ઓછું થાય છે ના ક્યારેય નદીનો પ્રવાહ.
દરિયો ક્યારેય નદીને એમ નથી કહેતો કે "મારી પાસે ઘણું પાણી થઈ ગયું છે. મારે તારા પાણીની જરૂર નથી." કે નદી ક્યારેય દરિયાને એમ નથી કહેતી કે "મારુ પાણી મીઠું છે તારા ખારા પાણીમાં હું શું કામ ભળું ?" બંને એકબીજાને મળે છે, એકબીજામાં ભળે છે. એમ જ આપણે મનુષ્ય થઈને પણ આ વાત નથી સમજી શકતાં, કોઈનો સહેજ ગુસ્સો કે કોઈની સહેજ નારાજગીના કારણે એ વ્યક્તિનો સાથ છોડી દેતા હોઈએ છીએ.
પણ જો તમે કોઈને પ્રેમ કરો તો એનો ગુસ્સો, એની નારાજગી, એનો પ્રેમ, એના શબ્દો બધું જ પચાવવાની પુરી હિંમત રાખવી પડે તો જ તમે એક વ્યક્તિને અનહદ અને વર્ષોના વર્ષ સુધી સતત ચાહી શકો છો.
ભલે પ્રેમ એક તરફી હોય કે બંને તરફી.
વફાદારી, સહનશક્તિ અને ધીરજ બંનેમાં જરૂરી છે.