ઘા ની વાત કરવી છે, ઘસરકા ની વાત કરવી છે,
નિરાંત લઈ મળજે દોસ્ત, મીઠાં સણકા ની વાત કરવી છે...
મનખાની વાત કરવી છે, અભરખાની વાત કરવી છે,
નિરાંત લઈ મળજે દોસ્ત, દિલના તણખા ની વાત કરવી છે...
નથી કહેવું દુનિયાના વ્યવહાર વિશે, નથી કહેવું સંબંધોના ઉપકાર વિશે,
ટુકડે જીવાતી જિંદગીના ઇલમની પુરી વાત કરવી છે,
મલમ લઈ મળજે દોસ્ત, ઊંડા જખમની વાત કરવી છે...
નથી કહેવું ઘટનાના સંદર્ભ વિશે, નથી કહેવું ભુલાયેલા દર્દ વિશે,
કથાઓ એની પ્રચલિત, ઘૂંટેલા પ્રણયની વાત કરવી છે,
સમય લઈ મળજે દોસ્ત, ખૂટેલા સમયની વાત કરવી છે...
નથી કહેવું મારાથી છુપાવ્યું એના વિશે, નથી કહેવું શું ગુમાવ્યું એના વિશે,
રાતોની રાતો વહી છું, એ દુર્ઘટનાની વાત કરવી છે,
રૂમાલો લઈ મળજે દોસ્ત, દબાયેલાં ડુસકાં ની વાત કરવી છે...
નથી કહેવું પોતાનાનાં હુમલા વિશે, નથી કહેવું હાથોની કલા વિશે,
એક ઝીણી તિરાડ પછી, ઘર ધસી જવાની વાત કરવી છે,
ખભો મિલાવી મળજે દોસ્ત, જિંદગી ઝૂકી રહ્યાની વાત કરવી છે...