જૂના વખતમાં કેટલાક સગા, મુલાકાતીઓ કેવી અતિશયોક્તિ ભરી વાતો 'ફેંકતા' ? અમુક યાદ આવી. બધી એક જ વ્યક્તિએ અલગ અલગ માણસો, જામનગર તરફના હાલારી નાગરો વિશે કહી છે.
1. અરે એ વડીલ રોજ સવારે દંડ બેઠક કરે એટલે? હજાર દંડ અને હજાર બેઠક રોજ. પછી તાંસળું ભરી દૂધ ગટગટાવી જાય. એ પણ લોટો અધ્ધર રાખીને ધાર કરીને. બોલો!
2. અરે એ ભાઈમાં તો એટલું જોર! આમ ભણ્યા ખાસ નહોતા. જામનગરના રાજાની નોકરીમાં. શું, ખબર છે? રાજા ઘોડે બેસવા જાય એટલે એમણે મુઠી ધરી રાખવાની ને નીચા થવાનું. રાજા એની મુઠી પર પગ મૂકે ને ઘોડે ચડે. રાજાને ઉતરવું હોય તો તેઓ દોડતા આગળ આવી મુઠી ધરે, રાજા એની મુઠી પર પગ મૂકી ઉતરે.
પણ રાજા (જામ સાહેબ?) ને એની ઉપર માન એવું કે રાજા દરબારીઓ સાથે જમવા બેસે તો પહેલો પાટલો રાજાનો, બાજુમાં બીજો એમનો.
(ભલા રાજા પાટલે બેસીને જમે?)
3. એ ભાઈ ખૂબ હિંમતવાન. રોજ સવારે આઠેક વાગે પૂજા પાઠ પતાવી કાશી વિશ્વનાથ દર્શને જાય. વચ્ચે એક પુલ આવે. એકવાર કોઈ ગુંડો કોઈને લૂંટી, છરી મારી ભાગતો આવ્યો પાછળ પોલીસ અને ટોળું. આમણે પેલા ગુંડાને ખાલી છાતીમાં ગોદો માર્યો. સાવ હથેળી પોલી કરીને ધક્કો. પેલો પડી ગયો ને આ ભાઈ તો કાઈં બન્યું નથી એમ ચાલતા! (પેલી ખુલ્લી છરી વચ્ચે ન આવી?)
4. એમની પૂજા બધી સત વાળી. અરે એક વાર પૂજા કરવા બેઠા , દીવો કર્યો ને જ્યાં પ્રાણાયમ કરે ત્યાં સામે પૂજાનું તરભાણું ધ્રુજતું ગોળગોળ ફરવા લાગ્યું! એક વાર તો દીવો એકદમ મોટી જ્યોત થઈ એક ક્ષણ માતાજીની આકૃતિમાં ફેરવાઈ ગયો!
બોલો, એ વખતે, 60 વર્ષ પહેલાં લોકો આવી વાત કરતા ને બીજા લોકો રસપૂર્વક સાંભળતા પણ ખરા!