મેળાનું ગીત..
અલ્લડ આ આંખો મેળે મળી ગઈ,
ને બંધાણી ભવભવની પ્રિત…
મનડાએ માન્યા ભવભવના સાથી,
પછી કેવા રિવાજ કેવી રીત?
હાથ એનો પકડ્યો ત્યાં ગુંજી ઉઠ્યા ગહેકતા મોરલાનાં ગીત,
રોમે-રોમ ને મારા રુંવાડે રુંવાડે રણઝણવાં લાગ્યું સંગીત.
ભાનશાન ભૂલીને પાગલ બે પંખી,
એકમેકમાં થઈ ગયા લીન.
મનડાએ માન્યા ભવભવના સાથી,
પછી કેવા રિવાજ કેવી રીત?
ઝટ કરતી વહી ગઈ રાત મેળાની ને થ્યો અળગા થવાનો વખત,
કઈ રીતે માને પાગલ આ હૈંયા જેને લાગી ગઈ લાગણીની લત.
માંગે ના બીજુ કંઈ મનડા અધીરા,
માંગે જોવાને કાયમ મનમીત.
મનડાએ માન્યા ભવભવના સાથી,
પછી કેવા રિવાજ કેવી રીત?
દેવેન્દ્ર ભીમડા “અભિદેવ”