આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂચ્યુ..!
"આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂચ્યુ,
ને આમ તેમ જોઈ આંખને ખૂણે સાવ ઓચિંતું
આવેલું પાણીનું ટીપું હળવે રહીને એણે લૂછ્યું."
પોતાની હથેળીની રેખાઓ તપાસી,
રોકી બહુ તોય ધસી આવી ઉદાસી...!
"શાને મારે રોજ તારવા ને મારવા,
શાને મારે રોજ દાવ માંડવા ને હારવા"
કોણ હું ?, કેમ હું ?, કયા મારા કામ છે,
લાખો છે રૂપ મારા કરોડો નામ છે...!
"કોને પૂછું હું, શાને હું જીવતો ?,
ટેભા લઈને સપનાં હું સીવતો."
માણસને મારામાં શ્રદ્ધા - વિશ્વાસ છે,
મારી સિલકમા તો ઢગલો નિશ્વાસ છે...!
"કોની આંખોમાં હું મારી ભિનાસ જોઉં,
કોના ચરણ શોધું જ્યાં જઈ મારા પાપ ધોવું."
કોણ મને પૂછે, ને કોને જવાબ દઉ,
કયા વહીખાતા પાસે મારો હિસાબ લઉ...!
"માણસ તો માંગે ને ઈશ્વરને સોંપે,
આશાનું બિજ એ મંદિરમાં રોપે."
મારે તો આપવાનાં કેટલાં જવાબ છે,
માણસની સામે મારો કેટલો રૂઆબ છે...!
"પણ મંદિરનાં બંધ દ્વાર, ઢગલાબંધ ફૂલહાર,
પ્રભુતાનો ખૂબ આભાર... આભાર..."
હોવાની તેજ ધાર, રોજ મારી આરપાર,
સણસણતો ખાલીપો મારે છે રોજ માર...!
"મારે બસ એકવાર પૂછવું છે કોઈને, ધ્રૂસકાભર રોઈને,
કે આ ઈશ્વર બનાવવાનું કોને રે સૂજ્યુ...?
"આજે ઈશ્વરની આંખમાં જાણે કંઈ ખૂચ્યુ,
ને આમ તેમ જોઈ આંખને ખૂણે સાવ ઓચિંતું
આવેલું પાણીનું ટીપું હળવે રહીને એણે લૂછ્યું."
લિ.
આશા મોદી