" જોઈ પેલી પ્રિયંકાને! પતિના દેહાંતને હજુ મહિનોય નથી થયો ત્યાં નીકળી પડી બાગમાં ફરવા!" પ્રિયંકા ને બાગમાં બાળકોની સાથે રમતી જોઈને બૈરાંઓમાં કાના-ફૂસી શરૂ થઈ ગઈ.
" ખરી છે જો ને! કેવી છોકરાવ સાથે રમે છે!"
" ને હસે પણ છે! જરાય દુ:ખ દેખાય છે એના ચહેરા પર!” બીજી એક જણી બોલી.
બે નાના બાળકો અને વૃદ્ધ માતાને પત્નીના ભરોસે મૂકીને કૈરવે અનંતની વાટ પકડી ત્યારથી ઘરમાં માતમનો માહોલ છવાયેલો હતો! બાળકોના ચહેરાની ઉદાસીને અને સાસુજીની આંખોમાંથી વહેતા આંસુને માત્ર પ્રિયંકા જ રોકી શકે તેમ હતી! એના આંસુને લૂછનાર કોઈ નહોતું!
પોતાના વહેતા આંસુને લૂછીને બાળકો ને બાથમાં લીધા ને બોલી," ઘણા દિવસથી બાગમાં રમવા નથી ગયાં! ચાલો, આજે જઈએ! સાસુ માં તરફ જોઈને બોલી,” બા તમેય ચાલોને, વળતા હવેલી જતાં આવીશું! હમણાં હિંડોળાના દર્શન થતાં હશે!" બધાય પોતાના આંસુ સંતાડીને તૈયાર થઈ ગયા!!
શું સમાજ પોતાના આંસુને સંતાડીને ફરી બેઠી થવાના પ્રિયંકા જેવી સ્ત્રીઓના સાહસ ને બિરદાવી શકે ખરો?
-તની