એક બાદશાહ હતો. તેને એક દાસી, દાસી બાદશાહના પલંગને રોજ ફુલોથી સજાવે, તેલ અત્તર છાંટી ખુશબુથી ભરી દે અને રાજા તે પલંગ પર આરામ કરે. એકવાર દાસીને મનમાં વિચાર પેદા થ કે આ બાદશાહ રોજ આવા સુંદર પલંગ પર સુવે છે, તો તેને કેટલો આનંદ આવતો હશે ? તો હું પણ એવો આનંદ થોડી વાર લઉં તો કેવી મઝા આવે ?
આમ વિચારી પલંગને વહેલો શણગારી દાસી તેની મોજ લૂંટવા પલંગ પર સુતી અને થોડી જ વારમાં ઊંઘી ગઈ, તેને ખ્યાલ ન રહ્યો. સમય થતાં બાદશાહ આવ્યો. દાસીને પોતાના પલંગ પર સુતેલી જેવાં જ તેને ક્રોધ થયો. તેને જગાડી અને ચાબુકથી મારવા લાગ્યો. દાસી હસવા લાગી એટલે બાદશાહને ખૂબ ક્રોધ થયો. અને જેર જેરથી ખૂબ મારવા લાગ્યો. એટલે દાસી રોવા લાગી. આખરે બાદશાહ થાકયો. પછી ધમકાવી દાસીને પૂછયું કે પહેલાં તું કેમ હસતી હતી અને હવે તું કેમ રડે છે ? દાસીએ કહ્યું કે જ્યારે પહેલાં તમે મારતા હતા ત્યારે આ પુષ્પો ની શય્યાનો જે આનંદ તેનો અનુભવ કરેલો અને તે આનંદના અનુભવમાં તમારો માર મને જરાય ન હતો લાગતો. આનંદમાં મગ્ન હતી તેથી હસતી હતી. પણ પછી ખ્યાલ આવતાં મને થયું કે પલંગ પર ફક્ત બે કલાક સુતાં મને આટલા બધા ચાબુકનો માર પડયો, તો તમે રોજ કલાકો સુધી તેના પર સૂઈ રહો છો તો તમારા શી દશા હશે એ વાત યાદ આવતા હુ રડી પડી.