"અહેવું તો કરવું પહડે"..
અમે ત્રણ બોપલના મિત્રો બેઠેલ .
એક ભાઈ પોતાને ખૂબ ધનિક, ખૂબ સંપર્કો વાળા, ખૂબ પહોંચેલ વગેરે ગણાવે છે તેમણે પાર્ટીઓ માં પીવાની વાત કાઢી.
મને કોઈ રીતે વાતમાં લીધો ત્યારે મેં કહ્યું કે પાર્ટીઓ માં પીવું ન પીવું આપણી ઉપર છે. મેં ક્યારેય દારૂ પીધો નથી.
એમણે ' હુંહ..' કરી મઝાક કરતાં કહ્યું કે એમણે તો દુનિયાભર ની બ્રાન્ડ નો ટેસ્ટ કર્યો છે. અમદાવાદ બેઠે. ' બોસ, આપણને કોઈ ન અડે. બધે બધું મળી રહે. હું.. તો.." અને આગળ જાણે દારૂ બરફ ગોળા ના શરબત થી પણ સસ્તો હોય એમ પોતે પીધો, પાયો ની બડાશો!
મેં જરાય ઇમ્પ્રેસ થયા વગર કહ્યું કે અમારી નોકરીમાં પણ ખૂબ ઉચ્ચ અધિકારીઓનાં ડીનરમાં હાજર રહ્યો છું, ક્યાંય નશાકારક ડ્રીંક એમ ડીનર બાદ સર્વ થતું ન હતું.
કોઈ પણ મોટી કોર્પોરેટ કંપની પણ ડીનર બાદ આવાં ડ્રીંક નો ખર્ચો ન આપે. ડીનર કરતાં એ ખર્ચ વધી જાય.
મેં મોટી મીટીંગોમાં હાજરી આપીછે, ઊંચી ટ્રેનિંગો એટન્ડ કરી છે પણ ક્યાંય પીવું પડ્યું જ હોય એવું નથી.
તેઓ મારા વિશે શું વિચારે છે એ હૈયે હશે ને હોઠ પર આવી ગયું "અહે તો તમે બધા કારકુનીયા..' તરત જીભ ને બ્રેક મારી કહે ' કસ્ટમર સર્વિસ વાળાઓ ને ચાલે. અહમ્હારે તો એં .. કહેટલાઓની ડહાઢી માં હાથ નાખવો પડે ભૈ.. પીવું પડે. પાવું પડે.'
મેં તરત કાપ્યા. બિઝનેસ લેવાને અને મદ્યપાન ને કોઈ સંબંધ નથી.
અને ગમે એટલી ઓળખાણો ને સગાઈઓ પોલીસમાં હોય, કોઈ લિંક ફૂટી જાય તો બધો બિઝનેસ પાણીમાં. આબરૂ તો.. ( જવા દો. )
ખૂબ ધનિક, ખૂબ સંસ્કારી, ચુસ્ત ઉચ્ચ વર્ણના .. ખૂબ તૈયાર.. બિઝનેસમેન ની આ પ્રકારે 'દાઢીમાં હાથ નાખી' બિઝનેસ લેવાની ટેકનિક ને સલામ.
બડાશ નથી મારતો, હું ' કારકુનીયો ' નહીં, મોટી પોસ્ટ પર હતો. મારા અમુક સગાને પોતાની ફેકટરી પણ છે, કરોડો નું ટર્નઓવર છે. એ કોઈ આ રીતે પીતા કે એવી પાર્ટીઓ બિઝનેસ લેવા કરતા સાંભળ્યા નથી.
કદાચ જે માણસ મોટી મોટી બડાશો હાંકતો હોય એની આ વાત પણ એક બડાશ માં લઈએ.
આવા લોકો મને ઓછા ભટકાયા છે, એમની વાતો થી હું અંજાતો નથી. પણ એવા લોકો, એમાં પણ આવા ' બિઝનેસ મેન' સાથે કોઈ પણ કામે પનારો પાડતા પહેલાં વિચાર કરવો.