સ્વભાવનું અનુકૂલન શક્ય છે!
****************************
સ્વભાવ એટલે શું?મારાં મત મુજબ સ્વભાવ એટલે જે તે માનસિકતાને આધારે થતું વર્તન.જો કે તાર્કિક રીતે બઘું જુદું હોઈ શકે.ગર્ભમાં હોય ત્યાંથી જ બાળક અમુક જનીનતત્ત્વો મેળવે છે.પ્રાકૃતિક ગુણો અમુક અંશે માતા-પિતા તરફથી મેળવે છે.પણ એ પ્રાકૃતિક ગુણોને આસપાસનાં વાતાવરણ અને લોકો વચ્ચે ઢળવા માટેની જે પર્ટીક્યુલર ટ્રેઇનિંગ હોય એ સ્વભાવને નિર્ધારિત કરે છે.
સ્વભાવ સમય જતાં બદલાતો રહે છે.હા,સાચું છે,સ્વભાવ બદલાય જ છે!બાળક જ્યારે નાનું હોય ત્યારે કોઈ પણ જગ્યાએ જીદ કરતું હોય,પછી એને ખ્યાલ આવે કે આ જગ્યાએ જીદ કરાય આ જગ્યાએ નહિ.આગળ જતાં એ સ્કૂલે જતું થઈ જાય છે. સ્કૂલે જતું બાળક શરૂઆતમાં લડતાં-ઝગડતાં ધીમે રહીને એડજસ્ટમેન્ટ શીખી જાય છે.દરેક દોસ્ત સાથે અલગ રીતે રહેવા લાગે છે.એ સુધારો સમજશક્તિને આધારે વિકસે છે.એ અજાણતાં થતો સ્વભાવનો સુધારો છે.
કિશોરાવસ્થામાં પ્રવેશેલા બાળકોને વ્યવસ્થિત રીતે સંભાળવા અને એમનાં સ્વભાવનું ચોક્કસ રીતે ઘડતર કરવું માતા-પિતા માટે ચેલેજિંગ કામ છે.જો એ સમયે એની માનસિકતા મજબૂત રીતે અને વ્યવસ્થિત નૈતિકગુણોને આધારિત ઘડાઈ જાય તો એ એનો આવનારાં સમયનો પાયો બની રહે છે.એ અવસ્થામાં બાળક દુન્યવી અસરોમાં આવે તો ખરું પણ જે તે નૈતિકતાનો પાયો છે તે એને ખોટે રસ્તે જતાં ચોક્કસ અટકાવી શકે.
જેમ જેમ મોટાં થતાં જવાય,એમ સંસારમાં આગળ જતાં કરવાં પડતાં સમાધાનો વ્યકિતને પોતાનાં સ્વભાવમાં સુધારો લાવવામાં ઘણાં ઉપયોગી સાબિત થતાં હોય છે.એક વ્યક્તિ દરેક જગ્યાએ જુદો હોય છે.ક્યાંક પ્રેમાળ,ક્યાંક સત્તાવાહી,ક્યાંક મજાકિયો તો ક્યાંક ચીડચીડિયો!જોવા જઈએ તો આ સ્વભાવનું મેનેજમેન્ટ જ છે ને!તો કોણ કહે કે સ્વભાવ નહિ બદલી શકાય!
સ્વભાવનું એડજસ્ટમેન્ટ સો ટકા આપણાં હાથમાં જ છે.ઉંમરની સાથે પરિપક્વતા આવતી હોય છે,સમજણ વિકસતી હોય છે તો ઉંમર સાથે સૌ સાથે અનુકૂલન ક્ષમતા ન વિકસાવી શકાય?ધારીએ તો સો ટકા વિકસાવી જ શકાય પણ ઇગોથી બચવું પડે. હું હું નાં હેલ્લારાથી દૂર રહેવું પડે.અન્યનું આપણી સાથેનું જે વર્તન આપણને નથી ગમતું તેવું વર્તન આપણે ન કરી બેસીએ, એ બાબત સભાન રહેવું પડે.એ સભાનતા વિકસાવીએ તો રોજિંદા વ્યવહારમાં થતી ઘણી તકલીફો ઓછી થઈ જાય.
અમુક ઉંમર પછીનાં વડીલો હોય છે એમને માટે હંમેશા કહેવામાં આવે કે ઉંમર સાથે સ્વભાવ બદલાઈ જાય,ચીડિયા થઈ જાય.પણ જ્યારે અનુકૂલન સાધવાની વાત આવે તો વળી વિરોધાભાસી વાક્ય"આ ઉંમરે શું બદલાવાના?""પાકાં ઘડે કાંઠા ન ચડે." એન ઓલ…પણ કાંઠા મૂકી પાણી ને ઢોળાતું બચાવી તો શકાય ને! હું તો સમજું "કોઈને નડતરરૂપ, તકલીફદેય એટલીસ્ટ સ્વભાવથી તો નથી જ બનવું." એ વિચાર દ્રઢતા પૂર્વક મગજમાં રાખીએ તો એ વર્તન પર અને સ્વભાવ પર સો ટકા અસરકારકતા બતાવશે. ટ્રાય ઈટ!
કુંતલ ભટ્ટ
સુરત.