“સાહેબ ઉપરવાળો બધું દેખે છે”
આ શબ્દો છે ફૂટપાથ પર શ્રી રામ નામની ધજા વેચનાર ગરીબ - મજદૂર પણ નખશિખ ઈમાનદાર દંપત્તિના…
આજે સવારે હું એમની પાસે ધજા ખરીદવા ગયો તો મને કહ્યું કે સાહેબ ૧૨૦ની ધજા છે. મેં કહ્યું આપી દો. તો એમણે મને કહ્યું બધા આવે છે પૈસા માટે રકઝક કરે છે પણ તમે ના કરી એટલે ૧૦૦ રૂપિયા જ આપો. કેટલો રાજીપો અને દરિયાદિલી! કદાચ એમને પણ રૂપિયા કમાવા છે પણ કચકચ કરીને નહી.
મેં ધજા હાથમાં લઈ મારા ખિસ્સામાં રહેલી ૧૦૦ ની નોટ (જે ગડી વાળેલી હતી અને એમાં બીજી ૫૦ ની નોટ હતી જેનાથી હું અજાણ હતો) આપી અને ઘર તરફ ચાલવા લાગ્યો ત્યાં પાછળથી અવાજ આવ્યો, “ ઓ સાહેબ ૧૫૦ નય ૧૦૦ જ આપવાના તમારે.” હું પાછો વળ્યો અને કહ્યું મેં ૧૦૦ જ આપ્યાં. તો એમણે કહ્યું “ કે સાહેબ નોટની અંદરથી ૫૦ રૂપિયા નીકળ્યા જે તમારા છે અને હરામનું ના લેવાય .. સાહેબ ઉપરવાળો બધું દેખે છે.”
આ વાત સાંભળી અને એમની ઇમાનદારી જોઈ હું સાચે જ ખુશ થઈ ગયો.
આ નાનકડી ઘટના ઘણું કહી - સમજાવી જાય છે.
અભણ અને સમજદારનો ફર્ક સમજાવી જાય છે.
દુનિયાનાં ચોકમાં કદાચ બધું વેચાતું મળી શકે પણ સંસ્કાર, ખાનદાની અને ઈમાનદારી વેચાતી ના મળે.
મહેનત કરનાર માણસ પણ જીવ કેટલો સંતોષી!
અંતે મેં કહ્યું કે તમારો એક ફોટો લેવો છે તો એના માટે પણ ના પાડી છતાં મે એમના એટેન્શન વિનાનો ફોટો લીધો મારા સંતોષ માટે…
સાચું કહું તો આ માણસનાં રૂદિયામાં સાચે જ રામ પ્રસ્થાપિત થયા છે.
મારા આજના જાતઅનુભવ સાથે સમગ્ર ભારતવર્ષને મર્યાદા પુરુષોત્તમ પ્રભુશ્રી રામનાં આગમનની હાર્દિક શુભેચ્છાઓ.
જયશ્રી રામ….