*જિંદગી તને થેન્ક યુ*-
એક કપ કોફી, મૂશળધાર વરસાદ અને એક ગમતો મિત્ર. બીજું જોઈએ શું ?
એક લોંગ ડ્રાઈવ, એક ગમતો રસ્તો અને એક ગમતું ગીત. બીજું જોઈએ શું ?
કોઈ નિરાંતની સાંજે એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને, દુનિયાને ભૂલી જઈ શકું તો *જિંદગી તને થેન્ક યુ.*
એક મનગમતી સાંજે આથમતા સૂરજની સામે ઉભા રહીને, મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો *જિંદગી તને થેન્ક યુ.*
એક ગમતો સાથ, એક મનગમતો સ્વાદ અને એક સ્વાદિષ્ટ પકવાન. બીજું જોઈએ શું ?
વર્ષોથી સાચવેલી શ્રદ્ધા, એક ગમતી પ્રાર્થના અને મંદિરમાં એક ભગવાન. બીજું જોઈએ શું ?
*જિંદગી તને થેન્ક યુ*
ગમતા લોકોની હાજરીમાં, મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું, તો *જિંદગી તને થેન્ક યુ.*
જેને પ્રેમ કરું છું એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું, તો *જિંદગી તને થેન્ક યુ.*
એક ગમતું થિયેટર, હાથમાં પોપકોર્ન અને સામે ગમતો સુપર સ્ટાર. બીજું જોઈએ શું ?
કેટલાક ગમતા લોકો, હાથમાં મીઠાઈ અને હૈયામાં ગમતો તહેવાર. બીજું જોઈએ શું ?
*જિંદગી તને થેન્ક યુ*
*તેં આપવા જેવું બધું જ આપ્યું છે અને તેમ છતાં ન માંગવા જેવું હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું*.
*મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ તો મેં અનેક વાર કરી છે તને, પણ એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે ક્યારેય આભાર નથી માન્યો તારો.*
*દૂર સુધી દોડ્યા પછી, હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું, તો જિંદગી તને થેન્ક યુ.*