આભમાં ઊગેલ ચાંદલો
(ભાગ ૨)
આટલું અંતર કાપ્યા પછી પહેલો ઘોડો કુદાવનારી સ્ત્રી પોતાના પતિને કહે છે કે મારાથી હવે વધુ ઘોડા ઉપર નહીં બેસાય, તમે ચાલ્યા જાઓ. ત્યારે એ બીજો ઘોડેસવાર પૂછે છે કારણ શું? ત્યારે એ દેશની નારી કહે છે કે મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે. તમને માતાજીનાં સોગંધ તમે નીકળી જાઓ. ત્યારે એ પુરુષ, એ ઘોડેસવાર માતાજીનાં સોગંધથી બંધાઈને આગળ નીકળી જાય છે અને એ દેશની નારી થોડી આગળ જતાં ત્યાં એક ડુંગરા પાસે પોતાનો ઘોડો થોભાવે છે. પાછળ સેનાપતિ અને બાદશાહની સેના તેને આંબી જાય છે.
એક હાથમાં ભાલો અને બીજો હાથ પેટ ઉપર રાખીને એ દેશની સ્ત્રીને ઘોડેથી ઉતરતા જુવે છે ત્યારે એ સેનાપતિ બોલી ઉઠે છે, યા અલ્લાહ હું આ શું જોઈ રહ્યો છું? આ દેશની નારીની આ તાકાત? હાથમાંથી તમામ શસ્ત્રો જમીન ઉપર પડી જાય છે અને સેનાને આદેશ આપે છે કે દેશની આ સિંહણને કોઈ હાથ ના લગાવતાં, એ વિફરશે તો કેટલાંયે હોમાઈ જશે. અને એ સેનાપતિ ત્યારે આ ભારત દેશની નારીને સલામ કરીને એટલું બોલેલો કે પુરા દિવસો જતા હોય, બાળક જન્મવાની તૈયારી હોય અને તો'યે અઢીસો કિલોમીટરનું અંતર કાપી શકે એ માત્ર હિન્દુસ્તાનની નારી જ કરી શકે એવી તાકાત કોઈ અન્ય નારી પાસે ના હોય
એ નારી જેમ જેમ આગળ ડગલાં ભરે એમ એમ એ લાખોની ફોજ તેને સેનાપતિના હુકમથી આગળ જવાનો માર્ગ કરી આપે છે. ભાલાને ટેકે એ ડુંગરો ચડે છે. અને શિવલહેરીનાં કિલ્લા તરફ પ્રયાણ કરે છે. એ દ્રશ્ય જોઈને બાદશાહનો સેનાપતિ એ સ્ત્રીને સલામ કરે છે અને કહે છે બેન હું બાદશાહનો સેનાપતિ છું તારે જરૂર હોય તો હું સો સૂયાણી બોલાવી દઉં પણ તને કંઈ થઈ જશે તો મારી જાતને માફ નહીં કરી શકું.
ત્યારે એ સ્ત્રી એટલું જ કહે છે કે નથી જરૂર સૂયાણીની, હું સક્ષમ છું, બસ તમે યુદ્ધ માટે તૈયાર રહેજો. ત્યારે સેનાપતિ વિચારે છે કે આ સ્ત્રી આવી હાલતમાં છે તો યુદ્ધ કરશે કોણ? અને એ સ્ત્રી દાદર ચડીને સોળ સ્થંભ અને ત્રણ ઘુમ્મટનાં શિવનાં મંદિરમાં પ્રવેશીને મંદિરના દ્વાર બંધ કરે છે. પરિણામને જોવા ચારેય બાજુ સેના પથરાયેલી છે.
થોડી વાર થઈ ત્યાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હું...આ... હું...આ... હું...આ... સેનાપતિ ખુશ થઈ ગયો અને પૂછ્યું બેન દીકરો કે દીકરી ત્યારે એ લોહીથી લથપથ સ્ત્રી જવાબ આપે છે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મ્યો છે. સેનાપતિ કહે છે કે મારે એકવાર એનું મોઢું જોવું છે, જેની મા આટલી શૂરવીર હોય એનો દીકરો કેવો હશે ત્યારે એ વિરાંગના કહે છે કે અઢાર વરહની વાટુ જુવો જ્યારે એ ખંજર લઈને તમારી છાતીમાં ભોંકે ત્યારે એનું મોઢું જોઈ લેજો. અત્યારે મારાં શિવાનું મોઢું જોવાનો તમારો વખત નથી.
એટલે શ્રી ઝવેરચંદ મેઘાણી લખે છે કે,
આભમાં ઉગેલ ચાંદલો'ને જીજાબાઈને આવ્યા બાળ રે, જીજાબાઈને આવ્યા બાળ.
બાલૂડાંને નિંદરુ ના'વે,
માતા જીજાબાઈ ઝુલાવે...!!