આહિર યુગલ ના કોલ
( ભાગ - ૧ )
આટલી બધી પ્રીત કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને ?"
"એવું અમંગળ શું કામ ભાખો છો ?"
"ના, ના, પણ ધાર્ય કે અચાનક મારું મોત નીપજે તો ?"
"તો પછી તમારી વાંસે જીવીને શું કરવું છે ?"
"મરવું શું રેઢું પડ્યું છે ? આ ભરપૂર જોબન, આ છલકાતાં રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવાં દોહ્યલાં છે ! એ તો મોંએ વાતો થાય."
"હશે, પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વસમા હશે. પોતાની પરણેતરની વાંસે કોઇ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી. નારીની જાત તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવી છે, આયર !"
કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો. નામ ધમળો. એને એકનો એક જુવાન દીકરો હતો. દીકરાનું નામ નાગ. નાગને પરણ્યાં હજુ ચારપાંચ મહિના થયેલા. રંભા જેવી નાર ઘરમાં આવેલી.
ઉપરની વાતો કરનારાં ધણી-ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે. અધરાતે સૂવાના ઓરડામાં ઢોલિયા પર બેઠાં બેઠાં ચાતકની જોડલી સમાં આ અભણ સ્ત્રી-પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યાં હતાં. ઝાંખો ઝાંખો દીવો બળે છે. વાતોમાં ને વાતોમાં દીવાની વાટ્યે ફૂલ ચડી ગયેલ છે.
નાગને મનમાં થાતું : "ઓહો ! શું આ સ્ત્રીનું મારા ઉપર હેત ! મારી પાછળ આ બિચારી ઝૂરી-ઝૂરીને મરે હો !"
રોજ રાતે આવી આવી વાતો થાય. સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ : "હેં આયર ! હું મરું તો તમે શું કરો ?"
ગળગળો થઇને નાગ કહેતો : "મારા સમ ! એવું તું બોલ મા."
"ના, ના, પણ આમ જુઓ ! આ માથાની લટ ઊડી-ઊડીને મોઢા પર આવે છે. સ્ત્રીઓમાં કહેવાય કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને ઝટ નવી નાર આવે !"
"હું તને કરગરીને કહું છું કે એવું બોલ્ય મા."
"એમાં શું ? પુરુષને તો સ્ત્રી મરી ને ખાસડું ફાટ્યું એ બેય વાત બરોબર. હું મરું તો શું તમે બીજી નહિ પરણો ?"
આયરે નિસાસો નાખી કહ્યું : "પ્રભુને ખબર !"
"ત્યારે શું સતા થશો ?"
આવા મર્મપ્રહાર ક્યાં સુધી સહેવાય ? ધ્રુજતે હોઠે ને ગળગળે અવાજે નાગ બોલ્યો : "એક વાર મરી જુઓ, પછી જોઇ લેશું. મને નખરાં નથી આવડતાં."
પોતાના ધણીની મમતા જોઇને સ્ત્રી એને ગળે બાઝી પડી; ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી. બેય જણાં પાછાં વિનોદમાં પડ્યાં.
રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો. એ હતો નાગનો બાપ ધમળ પોતે. ખોરડું સાંકડું હોવાથી ધમળ એ જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણઇચ્છ્યે પણ સંભળાઇ જાતી. સાંભળીને મનમાં મનમાં એ હસતો. એના અંતરમાં થતું : 'જો ને આ જુવાનિયાં ! તાજી પ્રીતમાં ગાંડાંતૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે. એક દિવસ પરીક્ષા તો લઉં !'
રોજ સવારે વહેલો ઊઠીને નાગ સાંતી જોડી ખેતરે જાય, તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે. બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજે વાડીએ જાય. સાંજ પડે ત્યાં તો, જેમ વાછરુ પોતાની માની વાટ જોઇ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડી સાંતીના ખખડાટની વાટ જુએ.
( વધુ ભાગ - ૨ માં )