ઈશ્વરપ્રેમી સૌ ભેળાં થાય ગામના મંદિરે.
પરમશાંતિ પરિસરે જણાય ગામના મંદિરે.
પાષાણપ્રતિમા પરમેશની મૂક બનીને બેઠી,
પ્રત્યેકની ફરિયાદ સંભળાય ગામના મંદિરે.
ઘંટારવને આરતી, સ્તુતિ પૂજાપાઠ દેખાય,
દર્શનાર્થીમાં સ્વજન પરખાય ગામના મંદિરે.
સૂરસંગીતના પ્રાર્થનાકાજે પરિસરે રેલાય,
રખેને પ્રભુ મંદમંદ મુસકાય ગામના મંદિરે.
ક્ષમાયાચનાને મનચાહ્યું માનવી થકી મંગાય,
માનતા સહજતાથી થઈ જાય ગામના મંદિરે.
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.