એક આધ્યાત્મિક સંત વિમાનમાં બેઠા હતા. વિમાને ટેક ઓફ કર્યાને થોડીવાર થઇ ત્યાં જ સીટ બેલ્ટ ફરીથી બાંધી લેવાની તાકીદ કરવામાં આવી. વિમાનમાં જાહેરાત કરાઈ કે, આપ સૌની ક્ષમા માંગીએ છીએ, પરંતુ હાલ અમે કોઈ સર્વિસ નહિ આપી શકીએ કારણકે વિમાન પવનનાં તોફાનમાં સપડાયું છે.
પ્રવાસીઓ મૂંગા બેસી રહ્યા. દરમિયાન બીજી જાહેરાત થઇ, તોફાન કોઈપણ ક્ષણે આપણને અસર કરી શકે છે. મહેરબાની કરીને સીટ પરથી ઉભા ન થશો અને સીટ બેલ્ટ બાંધી રાખશો. આપના સહકાર બદલ આભાર. જાહેરાત પુરી થઇ. આખા વિમાનમાં સન્નાટો છવાઈ ગયો. સંતે જોયું કે દરેક વ્યક્તિના મોં પર ગભરાટ હતો.
બસ, બરાબર એ જ વખતે વિમાને તોફાનમાં પ્રવેશ કર્યો. વિમાનની બારીઓની બહાર ધોળા દિવસે અંધારું છવાઈ ગયું. પેલા સંતે જોયું તો વિમાનમાં રડારોળ મચી ગઈ હતી, તો કેટલાંક બે હાથ જોડીને ભગવાનને વિનવતા હતા.
સંતનું ધ્યાન એક નાનકડી છોકરી પર પડ્યું. દસ-બાર વરસની એ છોકરી પોતાની સીટમાં બેસી રીડિંગ લાઇટ કરીને વાંચતી હતી. એને જાણે આ તોફાનની કાંઈ જ ખબર ના હોય એવું લાગતું હતું. બધા પેસેન્જર્સ પોતાની જિંદગી બચી જાય એ માટેની પ્રાર્થના કરતા હતા. ત્યારે એ છોકરી વિચલિત થયા વિના પોતાની ચોપડીમાં ખોવાઈ ગઈ હતી. સંતને એ જોઈને નવાઈ લાગી. આધ્યાત્મિક ઉંચાઈ પ્રાપ્ત કરી હોવા છતાંય પોતે ધ્રાસકો અનુભવી રહ્યા હતા. આ તો એક નાનકડી છોકરી હતી.
એકાદ કલાક પછી વિમાન હેમખેમ તોફાનમાંથી બહાર નીકળી ગયું. નજીકનાં એરપોર્ટ પર વિમાને સલામત રીતે ઉતરાણ કર્યું. વિમાન ઉભું રહ્યું એ પછી જલ્દીથી એમાંથી બહાર જવા માટે બધા પેસેન્જર્સ રીતસર ધક્કામુક્કી કરવા લાગ્યા, પરંતુ પેલી છોકરી હજુ પણ પોતાની જગ્યા પર બેસી વાંચી રહી હતી.
સંત એની પાસે ગયા અને પૂછ્યું, 'બેટા, આટલું બધું થયું તો પણ તને જરાય ગભરાતાં મેં નથી જોઈ. તને કેમ જરાય બીક નહોતી લાગતી?
છોકરીએ કહ્યું, 'આ વિમાનનાં પાઇલોટ મારા પપ્પા છે ! એ વિમાન ચલાવી રહ્યા હોય પછી મને શું કામ બીક લાગે?
આ સાંભળીને સંત કશું જ બોલી ના શક્યા.
આવાત જ મહત્વની છે.
પિતા ભરોસાની પ્રતિમૂર્તિ છે. એ દરેક બાળકની સુરક્ષા છે, સલામતી છે, સંસ્કાર છે, સ્નેહ છે, સુખ છે.
બાળકનાં જન્મની સાથે જ એક માતા અને એક પિતાનો પણ જન્મ થાય છે.
માતા એટલે હૂંફ, ત્યાગ અને વાત્સલ્ય...
અને પિતા એટલે વિશ્વાસ, શક્તિ અને પ્રેમ...
જો કે આ છ એ મનોવલણો એક પિતામાં હોય જ છે ! નહીંતર દીકરી જયારે સાસરે જાય ત્યારે ભલભલો ભડવીર બાપ પણ રડતો ન હોત.
છતાં પિતા માટે એક શબ્દ કહેવાય છે - ભરોસો !
એટલે આપણે ત્યાં ગુજરાતીમાં પિતાને ઘરના મોભ સાથે સરખાવ્યો છે. જેનાં ભરોસે, જેની તાકાત પર ઘર ટકેલું હોય છે. બાળક પિતાની આંગળી પકડીને ચાલતું હોય ત્યારે એક વિશ્વાસ ને સુરક્ષાનો ભાવ હોય છે. બહારથી સખત દેખાય પણ અંદરથી સાવ કોમળ ! પિતા સંઘર્ષના દિવસોમાં ઘરની ચટ્ટાન, તો મુશ્કેલીઓ સામે લડતી બેધારી તલવાર હોય છે. બાળપણમાં આનંદ આપનારું રમકડું છે તો ઊંઘ આવે ત્યારે પેટ પર સુવડાવી દેનાર પાથરણું બની જાય અને બાળપણમાં રડતાં બાળકને હસાવવા બનતો ઘોડો પણ છે. બાળકનાં જન્મથી લઇ મૃત્યુ સુધી પિતા વિશ્વાસનો પર્યાય બની રહે છે. બાળક માટે ઉંમરનો કોઈ પણ તબક્કો હોય પણ પિતા એટલે વિશ્વાસ ! ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય પણ બાળકને એમ જ હોય કે મારા પિતા છે ને 🙏🏻