પાકીટમાં પૈસા કે પર્ચા?
પાકીટમાં સૈધાંતિક રીતે પૈસા જ હોય પણ મધ્યમ વર્ગીય પુરુષોના પાકીટમાં પર્ચા વધુ મળશે, આ પર્ચા શું હોય છે? મારા પપ્પાના પાકીટમાં હમેંશા બહુ બધા પર્ચા મળે, હું નાનો હતો ત્યારે હું એમના પાકીટને સ્પર્શી શકું એટલી હિંમત નહીં પણ પાકીટમાંથી પાકીટના માપથી વધુ છલકાતા પર્ચા હું દૂરથી જોતો હતો.
૧૦-૧૧ વર્ષનો થયો એટલે નોંધવાની શરૂઆત કરી કે છેના પર્ચા છે, કોઈ વ્યક્તિ પૈસા લેવા આવે તો પર્ચો લાવે કે આપવા આવે તો પાર્ચો લાવે, પપ્પા એ પર્ચો પાકીટમાં મૂકી દે. એમ કરીને પપ્પાની પાકીટ હમેંશા જરૂર કરતાં વધુ જાડી દેખાય. મને લાગતું કે અહીં બહુ પૈસા પડ્યા હશે, મમ્મીને પૂછ્યું કે પપ્પા કેમ આટલા બધા પૈસા લઈને ફરે છે તો મમ્મીએ કીધું પૈસા કરતાં પર્ચા વધુ હશે.
૧૯૯૦ માં પપ્પાએ અમારા માટે નવું મકાન બાંધ્યું, એટલે હું પપ્પા અને ભાઈ જોડે મકાનનું બાંધકામ જોવા જાઉં, પપ્પા ત્યાં સવાર સાંજ જાય, કારીગરો કામની વિગત પપ્પાને આપે, ગુલાબી અને પીળા રંગની પર્ચીઓ આપે, પપ્પા કોક વખત પૈસા આપે, કોક વખત ફકત પર્ચી લઈને પાકીટમાં મૂકી દે. એવી જ પર્ચીઓ ઘરે પણ મળતી હોય, મમ્મી કબાટમાં મૂકે , પછી પપ્પાને આપે. પણ આ પર્ચીના વહેંવારની બહુ ખબર ત્યારે નહોતી.
વર્ષ ૨૦૧૦માં એજ મકાનમાં મેં એક માળ બંધાવ્યો. કારીગરો, મજૂરો, સુથાર, પ્લમ્બર, બાંધકામનું માલ વેચનાર કે ભાડે આપનાર બધા સફેદ, પીળી અને ગુલાબી પર્ચીઓ લાવે, પૈસા લઈ જાય, હું એ પર્ચીઓ પાકીટમાં રાખું, પછી મારી પત્નીને કબાટમાં મૂકવા કહું, પાકીટમાં એક વખત પૈસા કરતા વધુ પર્ચીઓ મળે. મારા છોકરાઓમાં એક હજી જન્યું હતું અને એક ૪ વર્ષની દીકરી, એમને મારા નાનપણ જેવો પર્ચીઓને નોંધવાનો અનુભવ મેળવવાનો રહી ગયો.
વર્ષ ૨૦૦૭ માં પપ્પા અનંત યાત્રાએ નીકળી ગયા, મને એમની પાકીટ મળી, એમના પાકીટમાં પૈસા કરતાં વધુ પર્ચીઓ હતી, લાઈટના બિલ હતા, ટેકસ બિલની રસીદો હતી, અમુક પૈસા કોકને આપ્યા હોય એનો હિસાબ હતો, એમના દુકાને કોઈ વસ્તુ લાવ્યા હોય એના બિલ હતા અને મમ્મીનો લગ્ન પહેલાંનો ફોટો હતો.
તમારા પાકીટમાં શું છે આજે?
- મહેન્દ્ર શર્મા ૧૦.૬.૨૦૨૩