એક સંત વિદેશ યાત્રાએ જઈ રહ્યા હતા. એ સંત તમામ મુસાફરોની સાથે જ વિમાનમાં બેઠા અને વિમાને સફળતાપૂર્વક ટેઈકઓફ કર્યું. થોડો સમય પસાર થયો ત્યાં વિમાનમાં અચાનક જ કોઇ ટૅકનિકલ ખામી સર્જાઈ.

તમામ મુસાફરને આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા. ધરતીથી હજારો મીટર ઊંચે વિમાન હાલકડોલક થવા લાગ્યું. બધા મુસાફરો ભયની ચીસો પાડવા લાગ્યા.

'‘ હવે શું થશે ? '' વિનાશનો વિચાર વિમાનની સાથે બધા મુસાફરોને પણ ધ્રુજાવતો હતો.

પેલા સંતની નજર એક નાની છોકરી પર ગઈ. એણે જોયું તો એ છોકરી બહુ જ શાંતિથી વાર્તાની ચોપડી વાંચી રહી હતી. સંતને આશ્ચર્ય થયું કે આ છોકરીને મરવાની બીક કેમ નહીં લાગતી હોય ? શું ઓ છોકરીએ જાહેરાત નહીં સાંભળી હોય ? એને નહીં સમજાયું હોય કે આપણે કેવી મહામુસીબતમાં આવી ગયા છીએ.

પેલા સંત આ વિચારતા હતા ત્યાં જ બધાના આશ્ચર્ય વચ્ચે વિમાન સ્થિર થઈ ગયું અને ફરીથી જાહેરાત થઈ કે આપણા બાહોશ પાઇલટે ટેકનિકલ ક્ષતિ દૂર કરી દીધી છે. હવે આપણે સંપૂર્ણ સલામત છીએ. બધાએ રાહતનો શ્વાસ લીધો.

પેલા સંત ઊભા થઈને નાની છોકરી પાસે ગયા. છોકરી તો હજુ પણ પોતાની વાર્તાની ચોપડી વાંચવામાં જ ગુલતાન હતી. સંતે એ છોકરીના માથા પર હાથ મૂક્યો એટલે એણે ઊંચે જોયું અને સંતને વંદન કર્યા.

સંતે પૂછ્યું , "બેટા આ વિમાનમાં હમણાં શું થયું એ તને કંઈ ખબર છે ? ''

પેલી છોકરીએ કહ્યું , " જી , મહારાજ મેં બધું જ સાંભળ્યું હતું અને હું સમજતી પણ હતી. ”

સંતે આશ્ચર્ય સાથે પૂછ્યું , “ તો તને ડર ના લાગ્યો ? તું આટલી શાંતિથી કઈ રીતે વાંચી શકતી હતી ? ”

પેલી છોકરીએ હસતા- હસતા કહ્યું , " મહારાજ , આ વિમાનના પાઇલૉટ મારા પપ્પા છે. મારા પપ્પા પોતે વિમાન ચલાવતા હોય તો મને શું ચિંતા હોય ? કોઈ બાપ પોતાની દીકરીને મરવા દે ખરો ? ''

આપણા આ જીવનરૂપી વિમાનનો પાઇલૉટ પણ આપણો પરમપિતા છે. આપણા આ જીવન વિમાનમાં કોઈ ક્ષતિ સર્જાય છે ત્યારે પેલી નાની બાળકી જેવો પૂર્ણ વિશ્વાસ આપણને પણ આપણા એ પરમપિતા પર હોય તો ?

Gujarati Good Morning by Ghanshyam Patel : 111877617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now