ખબર નથી છોકરાઓ શું કરે છે?
જોગાનુજોગ એવા છોકરાઓ સાથે પરિચયમાં આવ્યો જેઓને પોતે અને એમના માં બાપને ખબર નહોતી કે ભાઈ કે બહેન કેમ આઇટી એન્જિનિયર બન્યા છે.
તેઓ લગભગ ડિગ્રી એન્જિનિયરિંગ કરીને ૧-૨ વર્ષથી ઘરે બેઠા હતા, નોકરી મળતી નહોતી કે કરવી નહોતી, માં બાપને ખબર ન્હોતી કે કેમ ઘરે છે, એમને તો એવું લાગતું કે કોઈ મલ્ટી નેશનલ એમના ઘરે આવી છોકરાને નોકરી આપી દેશે.
છોકરાને હું મળ્યો ત્યારે પૂછ્યું કે નોકરી માટે પ્રયત્ન કર્યા, તો જવાબ હા, મેં પૂછ્યું તો ક્યાં કર્યા તો કહ્યું કે મિત્રોને કહી રાખ્યું છે, મેં પૂછ્યું કે કોઈ જોબ પોર્ટલ પર બાયો ડેટા છે તો જવાબ ના. કોઈ કંપનીમાં બાયો ડેટા મોકલાવ્યું તો જવાબ ના. બોલો હવે કેવી રીતે નોકરી મળે?
મારી ઓળખાણમાં આ છોકરાઓના સગા કે ભાઈ બહેન હતા કે જેઓએ કહેલું કે તમારાથી કંઈ થાય તો જુઓ એટલે મારી કંપનીમાં એમને શિખાઉ તરીકે મૂક્યા. જોકે ઇન્ટરવ્યૂ માં ફેલ થયા પણ મારે એમને આગળ લાવવું જ પડે એમ હતું એટલે ધીરે ધીરે કામ શીખ્યા અને કમાતા થયા.
પણ એવું બધા એન્જિનિયર સાથે નથી થતું, એટલે છેવટે ઘરે બેઠા નિરાશ થાય અથવા માં બાપ પ્રેશર આપે તો બીજા કોઈ કામ ધંધે લાગી જાય.
અહીં આપણે સમજીએ કે માં બાપ બહુ ભણેલા નથી તો છોકરાને સમજી નહીં શકે પણ છોકરા તો પોતાની આવડત ૧૮ વર્ષની ઉમર પછી સમજે કે નહીં? છોકરાં નહીં સમજે તો શું માં બાપની ફરજ નથી કે એને પૂછે કે ભાઈ ૧૮નો થયો, શું કરીશ, કેવી રીતે કરીશ વગેરે. શું આ પ્રશ્ન કોઈ માં બાપ નહીં પૂછતું હોય?
ચાલો છોકરાએ કંઇક ભણી લીધું કે આ ડિગ્રી કરવાથી આ નોકરી મળશે જે ન મળી તો શું? તોય માં બાપની ફરજ છે કે પૂછતા રહેવું કે ભાઈ કેટલા દિવસ નવરો બેસીશ. કેમ ક્યાં કોઈ નોકરી નથી કરતો જ્યાં શીખવા મળે?
એ બીક હશે કે પ્રશ્ન પૂછવાથી છોકરો નિરાશામાં સપડી જશે? તો પછી આવી રીતે કેવી રીતે ઉછેર થયો હશે?
- મહેન્દ્ર શર્મા