શૈશવ માં રમત હોય તો જ શૈશવ સાચું કહેવાય. રમત થી બાળક પ્રફુલ્લિત રહે છે, ભણવાનો માનસિક થાક ઉતરે છે, નવા દોસ્તો બને છે અને શારીરિક, માનસિક રીતે કેળવાય છે. ટીમ વર્ક અને જીત વધાવવા સાથે હાર પચાવતાં શીખે છે.
મને યાદ છે, મારું આજથી 69 થી 55 વર્ષ પહેલાનું શૈશવ કે even મારા આજે ત્રીસીમાં છે તે પુત્રોનું શૈશવ. સાંજે સ્કુલથી આવે એટલે થોડો નાસ્તો કરી દફતર ખૂણે મૂકી દોડે કોઈ ખુલ્લી જગ્યાએ કે કોઈ મકાનના ધાબે..શેરીઓમાં મારા મોટા થતા સુધી સાઇકલો સિવાય કાઈં આવતું નહીં અને સાંજે તો નહીં જ એટલે શેરી ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે સાત તાળી, લંગડી, કબડ્ડી, થપ્પો, નદી પર્વત, ચોર પોલીસ અને એવી જાત જાત ની ઘણી innovative રમતો રમતા.
પુત્રો થપ્પો કે ક્રિકેટ કે મદદ.. કહી પકડાપકડી જેવું.
લખોટા ભમરડા શહેરના અમુક વિસ્તારોમાં 'ક્લાસ છોકરા ' નહીં રમતા હોય કેમ કે મને યાદ છે તેમ એ રમતો સારી હતી પણ રમનારાઓને બત્થમબથ્થા કરતા એક બીજા પર સુઈ જાય, બટકાં ભરતા અને ગાળાગાળી કરતા જ મોટે ભાગે જોયા છે, જેથી હું એ રમતો એકલો કુંડાળું કરી રમતો. પુત્રોને કદાચ ' ગરીયો ' કહેતા એ લાકડાનો અણી વાળો અને દોરી બાંધી ફેંકવાનો ભમરડો ફાવતો નહિ, ન અમારી આસપાસ રહેતા સેમી પોશ લોકોના છોકરાઓને. છતાં, તેમની સાંજ ક્રિકેટ કે દોડાદોડી માં શારીરિક થકવી નાખે અને આવે ત્યારે આનંદમાં હોય તેવી વીતતી.
હવે? માનવોની વસ્તી એટલી ગીચ થઈ ગઈ છે કે રમવા મેદાનો નથી. શેરી પણ સાંકડી હોય છે અને સોસાયટી કે ટાવર પાછળના નાના રસ્તાઓ પર પણ સતત સ્કૂટરો અને કાર આવ્યા કરે છે. એમને રમવા ખુલ્લી જગ્યાઓ જ નથી. ક્યાંક ટાવરોમાં છે તો ત્યાં સાંજ પડે સ્કેટિંગ, કરાટે , છોકરીઓ માટે ડાન્સ ને એવા પૈસા લઈને પ્રવૃત્તિ કરનારાઓએ ડેરો લગાવી દીધો હોય છે. ફરજિયાત કોઈ આવા ક્લાસના પૈસા ભરવા પડે જો સાંજની ખુલ્લી હવા જોઈતી હોય તો. કોઈ ખાસ ન આવતું હોય એ પાર્કના ખૂણાઓમાં પણ, બોલ કોઈ કાચ તો ન જ તોડે પણ સાવ થ્રો કે હિટ કરતું ક્રિકેટ કે કેચાકેચી રમો તો પણ ગાર્ડ સીટી મારતો આવી જાય.
બાળકોમાં શૈશવ હોય જ. મારા દાદાની પેઢીમાં પણ હશે અને આપણા પૌત્રોની પેઢીમાં પણ. એને ખીલવા મોકળાશ ક્યાં? પછી કહીએ આજકાલની પેઢી ઘરકૂકડી થઈ ગઈ છે, પણ ઇન્ડોર ગેમ સિવાય તેમને માટે બીજો રસ્તો જ નથી.
સોસાયટીઓએ અમુક સારો એવો મોટો એરિયા સાંજે આવા કિશોરો માટે રમવા કે 5 7 વર્ષના બાળકો માટે સાઇકલ ફેરવવા ખુલ્લો રાખવો જોઈએ જ્યાં સાંજ પડે બે કલાક કોઈ બીજું નહીં. થપ્પો કે સાત તાળી અમારે હતી પણ એવી કોઈ પણ શરીરને કસરત આપે તેવી રમતો શાળાનાં મેદાનમાં રમાડવી જોઈએ અને ઘેર એકવાર પેરંટએ રસ લઈ બતાવવી જોઈએ. પછી ભલે તેઓ રમતાં.
શૈશવ છીનવાશે તો આગળ જતાં સારી એવી કાર્યક્ષમ યુવાની પણ નહીં રહે અને વાર્ધકય પણ અત્યારની પેઢી ભોગવી રહી છે તેવું સામાન્યતઃ તંદુરસ્ત નહીં રહે.
શૈશવ ગાયબ થઈ રહ્યું છે એમ બળાપો કાઢવા કરતાં આસપાસનું કે ઘરમાંનું શૈશવ આ રીતે પાંગરવા દો. પ્લીઝ.