અછાંદસ:
(૧)
કોલેજમાં હોય લગભગ ત્યારથી વળગે,
ઘરનો લાલો ફોરેનનાં વિયોગમાં સળગે,
વિચાર આવે ને ત્યાંથી એ ખુદને NRI સમજે,
ને ઇન્ડીયામાં તકના નામે મીંડું સમજે...ઘરનો લાલો
પોતે ફરે એજન્ટો પાછળ,ને બસ બેન્ડની વાતો કરે
બાપ જોડે બસ એક જ વાત, કે બેંક બેલેન્સ કરે...ઘરનો લાલો
જીન્સ,ટીશર્ટ ને કેપ પહેરી યા-યા,યો-યો કરે,
વિઝા મળે એ પહેલા તો પિઝાથી જ પેટ ભરે...ઘરનો લાલો
ઇન્ડિયામાં સિસ્ટમ નથી..લોકોમાં મેનર નથી..
ટાઇમની કદર નથી..એ આવું બધું બબડે,
ને "અહીંયા રહી જા"-કહેતા લોકો જોડે,
રોજ રોજ ઝગડે...ઘરનો લાલો
(૨)
આખર પૂરો થાય વિયોગ,બને વિદેશના યોગ
છોડી ઇન્ડિયા લાલો,કરવા ઉપડે વિદેશ પ્રયોગ..
પિતૃરાજમાં જીવતો લાલો, ફોરેનમાં કોઈ શોપ શોધે,
જેટલા કાઢતો ચાની કીટલીએ,એટલા કલાકની જોબ શોધે..
બની એન્જિનિયર એ,બિયરબારનું કાઉન્ટર સંભાળે,
ને મોમ-ડેડનાં વિચારો સાંભળી,ફોન પર કંટાળે..
વાતોમાં ફડાકા,ને વિકેન્ડ પિકસથી ફેસબુક ભરે,
એ લાલાની મમ્મી,ઇન્ડીયામાં એની લાડી બુક કરે..
પાછો આવી પરણે લાલો,જઈ પાછો એનું એજ કરે,
બંધાય જ્યારે લાલા ત્યાં પારણું,માં બાપની ટિકિટ કરે...ઘરનો લાલો
(૩)
પીએફ પત્યો,બચતો પતી,પતી વીમા પોલિસી,
લાલો ગયો ફોરેન,એમાં બાપ પર બઉ વીતી..
"જરૂર નથી પણ ટાઇમપાસ"કહી રાખે નોકરી ચાલુ,
ને ખુલાસા કરે કે આપણને પ્રવૃત્ત જીવન વહાલું..
પુછે જો કોઈ,કે લાલો કંઈ મોકલે છે??
તો કહે,હમણાં એની ગાડીના હપ્તા ભરે છે..
આપણે જોઈએ કેટલું?? એવું હવે એ કાયમ ટાંકે
ને લાલાના ફોરેનમાં,સલવાય વગર વાંકે...
નથી તહેવારમાં,નથી વહેવારમાં,કે નથી પરિવારમાં હવે લાલો,
જો બીમાર પડે માં-બાપ તો,પડોશી જ એકમાત્ર સહારો,
પસાર થાય દિવસો,ને વિતે વર્ષોના વર્ષો,
હવે ઘરના બધા સેટ છે,
લાલો ફોરનમાં,ને માં-બાપ વતનમાં પરફેક્ટ છે..
ઘર,જ્ઞાતી કે દેશ-એ કોઈને કામ ન લાગે...
આવા લાલા,સૌના માટે મૃગજળ સમ લાગે...