સમય તો ડૂબી ગયો સૂર્યની જેમ,
પ્રતિક્ષાને સળગતી રાખવાનો પ્રયાસ કરું છું!
જીવનભર રહ્યો છું હું સફરમાં,
તુજ વિસામો શોધવાનો પ્રયાસ કરું છું!
શબ્દો બની વિખેરાતી રહે તું મુજમાં,
તુજને કવિતામાં સમેટવાનો પ્રયાસ કરું છું!
આમ તો છું તારાપણાથી છલોછલ.. પરંતુ,
તુજ સમક્ષ ખુદને વેરાન રાખવાનો પ્રયાસ કરું છું!
-નીલકંઠ