ઘણીવાર આપણે ઘણાને કહેતા સાંભળતા હોઇએ કે જીવનમાં તકલીફ, વેદનાઓ અને દુઃખનો અંતજ નથી આવતો. કોઈ આવું કહે ત્યારે હું એકજ વાત કહું છું કે સમય ક્યારેય એકસરખો રહેતો નથી.
એ સમય છે, બદલાશે જ.
હા, પણ એને બદલવા માટે પ્રયત્નો ચાલુ રાખવા પડે.
જીવનમાં એવો સમય પણ આવી શકે જ્યારે આપણને બધી બાજુથી નિરાશા ઘેરી વળે. એક પછી એક મુસીબત આવ્યા જ કરે. બધીજ જગ્યાએ આપણે હારનો સામનો કરતા હોઈએ એવું પણ બને. જયારે આવુ બને ત્યારે એ યાદ રાખવુ કે, તમારો પોતાના પરનો વિશ્વાસ અને શ્રદ્ધાની કસોટીનો આ સમય છે. જેઓ પોતાના પર વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા રાખી શકે છે તેઓ ગમે તેવી મુશ્કેલીઓમાં થી પણ પસાર થઈ શકે છે.
કોઈપણ અણગમતી પરિસ્થિતિ આવે ત્યારે તે માંથી નીકળવાની મથામણમાં આપણે આપણી અંદર રહેલ શક્તિ ને પડકારીએ છીએ. એ પડકારના પરીણામે આપણી આંતરીકશક્તિ જાગૃત થશે. આ શક્તિ, ક્ષમતા, વિશ્વાસ જ આપણને પરાજય થવાના ડર માથી મુકત કરશે. એકવાર આ ભય જતો રહે એટલે ઘણા નવા રસ્તાઓ દેખાશે, જેના પર ચાલી આપણે આ મુસીબતોની ઘટમાળામાં થી બહાર નીકળી શકયે.
આપણને અહી એમ પ્રશ્ન થાય કે તો શું પહેલા રસ્તા નહોતા? રસ્તા તો પહેલા પણ હતા, પણ ભયને કારણે આપણે તે જોઇ નહોતા શકતા અથવા જોઇ શકતા હોઈએ તો પણ પરાજીત થવાના ડર થી તેના પર ચાલવાની હિમ્મત ના કરી શકતા હોઈએ.
કોઈપણ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા તમે સક્ષમ છો, શરત બસ એટલી છે કે તમારી શક્તિઓ ને જાગૃત કરી તેનો સદુપયોગ કરો અને પોતાના પર અને જીવનની પ્રક્રિયા પર વિશ્વાસ રાખો.