#ગઝલ
હારના કે જીતના પ્રશ્નો જલાવી લે હવે,
છેક ઊંડે શ્વાસમાં ગીતા સમાવી લે હવે.
સત્યને સુકાન સોંપી મંઝિલે બસ પહોંચવા,
જોમ ને જુસ્સો સતત આગળ ધપાવી લે હવે.
આયખું જેના ઉપર પછડાટ ખાતું હોય એ,
કાળમીંઢા પથ્થરોને પણ નમાવી લે હવે.
જે સમાધિની અવસ્થાએ પહોંચી છે ક્ષણો,
લેપ એનો જાત પર થોડો લગાવી લે હવે.
સૂર રેલાવ્યા ઘણાં શરણાઈના ઓ જિન્દગી,
આરતી ટાણું થયું, ઝાલર બજાવી લે હવે.
#જિજ્ઞા_ત્રિવેદી