અમાસની રાતને માની પૂનમ અમે,
કે તમે મળવા અજવાસ લઇ આવશો.
જિંદગીને જેમતેમ મનાવી છે જીવવા,
કે તમે આવો તો શ્વાસ લઇ આવશો.
વારે ને ઘડીએ ઘેરી વળે મને,
પાગલ આ ઇચ્છાઓનું ટોળું.
ધોધમાર વરસે અષાઢી વાદળી,
તોય મનડું રહી જાય સાવ કોળું.
કોરાકટ મનની ઇચ્છાઓને કિધું,
કે તમે ભીંજવવા ભીનાશ લઇ આવશો.
જિંદગીને જેમતેમ મનાવી છે જીવવા.
કે તમે આવો તો શ્વાસ લઇ આવશો.
આઝાદ પંખી પીંજરે પુરાણું,
એતો ઊડવાને કરે છે ધમપછાડા.
ગુંગળાતા શ્વાસનો પાલવ ઝાલીને,
મારે જીવવું તો કેટલા દા’ડા?
પંખીના કાનમાં કીધું હળવેકથી,
કે તમે ઊડવા આકાશ લઇ આવશો.
જિંદગીને જેમતેમ મનાવી છે જીવવા,
કે તમે આવો તો શ્વાસ લઇ આવશો.
દેવેન્દ્ર ભીમડા “અભિદેવ”