બરફથી પણ ઘણાં દાઝે છે લોકો,
ને કુલ્ફી જીભથી ચાટે છે લોકો!
ભલે ને ફૂલને ચાહે છે લોકો,
પણ કાંટો કાંટાથી કાઢે છે લોકો!
બધાને અણગમો છે આગ સાથે,
કરીને તાપણી તાપે છે લોકો!
તમારું જાગરણ તહેવાર જેવું,
અહીં તો રાતભર જાગે છે લોકો!
બધા અજ્ઞાનતાના ચૂલે મૂકી,
હવે ઈતિહાસને બાફે છે લોકો!
નથી આ સાવ છાપાનાં છબરડા,
ખરેખર ભાંગરો વાટે છે લોકો!
"ખલીલ" આવ્યો છે ખુલ્લું દિલ લઈને,
કદાચ એથી મને ચાહે છે લોકો!!!
~ ખલીલ ધનતેજવી