તમારી જિંદગીમાં રોશની પ્રગટે નવા વરસે
ને આશિષ આભથી વરસે, સતત વરસે, નવા વરસે
ઘણી ખ્વાઈશ જે અરસાથી પૂરી કરવાની બાકી છે
ઘણી ઈચ્છા જે અટકળથી જુદી કરવાની બાકી છે
ઘણી છલના જે આંખોથી અલગ કરવાની બાકી છે
ઘણી તૃષ્ણા જે પીધી છે, પરત કરવાની બાકી છે
બધાથી મુક્ત થાવાનો કસબ મળશે નવા વરસે
જરા તાજું, જરા ફૂણું, જરા મીઠું, જરા ગરવું
જરા મુમકિન, જરા ઉત્સુક, જરા ભોળું, જરા ઓરું
કદી અણસારથી આગળ વધીને જે બને અવસર
સતત સંકલ્પથી જે દિન-બ-દિન બનતું રહે પગભર
એ સપનું બાળ જેવું બાઅદબ ફળશે નવા વરસે
સ્વજન સાથે રહીને વ્હાલવર્ણી જિંદગી કરીએ
જે એકાકી છે એને માટે દિલથી બંદગી કરીએ
બધાયે જીવમાં પામી શકો ભગવાનની ઝાંખી
ને કુદરતને નજરમાં, શ્વાસમાં, સંધાનમાં રાખી
ચલો આગળ કે મારગ ખુદબખુદ વળશે નવા વરસે
તમારી જિંદગીમાં રોશની પ્રગટે નવા વરસે
ને આશિષ આભથી વરસે, સતત વરસે, નવા વરસે
*- હિતેન આનંદપરા*
🌹
ચાલ આ દિવાળીએ તને સ્પેશિઅલ બોનસ આપું
મોબાઈલ મુકીને બાજુએ હાથમાં હાથ આપું
ચાલતા ચાલતા નવા વરસ ની વેહલી સવારે
ફક્ત તને લાઈક સ્માઈલ ને વાહ વાહ ની દાદ આપું
ચાલ આ દિવાળીએ તને સ્પેશિઅલ બોનસ આપું
દર્દ દબાવી દઉં દિલમાં ને તને મીઠું હાસ્ય આપું
ચાલ્યા હતા બેફિકરાઈ થી જે કેડી ઉપર
એ લીલીછમ કેડી પર સહિયારી મજલ કાપું
ચાલ આ દિવાળીએ તને સ્પેશિઅલ બોનસ આપું
પીવડાવું મારા હાથે અર્ધી ચાહ ને અર્ધી હું ચાખું
મન ભરી ને સાંભળું તારા કંઠે ગીત
મીઠા મધુર પવન સમી ચુપકીદી હું રાખું
ચાલ આ દિવાળીએ તને સ્પેશિઅલ બોનસ આપું
પ્રેમ ની કટારી થી એક પછી એક મતભેદ કાપું
થઇ જાય જીવ ને સંતોષ બરાબર આસીમ
ફરીથી તારી સંગ લાગણીઓ માપું.....
*આસીમ બક્ષી*
🌹
શુભકામનાની મજા જ એ કે એમાં સ્વભાવ પડઘાય.
અઢળક અમાપ, અસીમ, અનંત ..
આ અને આવા વિશેષણ પણ કહે છે કે
સંતોષ ને સંયમ આપણને બહુ રુચતા નથી.
સુખ, શાંતિ, સમૃદ્ધિ , સ્વાસ્થ્ય વગેરે મળો - માં પણ જાતે કૈં પ્રયત્ન કરવાની અનિચ્છા ડોકાય છે.
બધું આવી મળે
સઘળું એની જાતે થાય એવી પ્રાર્થના -
એટલે કે બધું નાંખ્યું પરમાત્મા પર,
જા બિલાડી મોભામોભ
મૂસાભાઇના વા ને પાણી !
આ બધું એ પરમાત્માને માથે કે જે કહે છે કે
કર્મ પ્રમાણે ફળ મળે.
આમાં તો એના હિસાબમાંય ગરબડ !
પણ તોય
ગમે છે કોઇ આવી શુભકામના પાઠવે,
પ્રાર્થના કરે ( એટલે કે એમ કહે )
ને એ જ રીતે આપવીય ગમે છે ,
તો લ્યો, આપી.
કરો જલસા 🤓
પ્રભુ આપશે, આવી મળશે ,
સુખ શાંતિ ને સમૃદ્ધિ
એવું થાય તો ગમે જ સૌને ,
થતી રહે પળપળ વૃદ્ધિ
મથે ભક્ત તો માખણ મળતું ,
ઠાકરધણી તો રાજી રહે
રહે નીરોગી શરીર તો
ને તો જ વધે છે બળ બુદ્ધિ
*- તુષાર શુક્લ*