શુભ લાભ રંગોળી ને સજાવટની લહેર લાવે છે
કૃષ્ણ પક્ષે આસોમાં ઝગમગતી દિવાળી આવે છે
વનવાસ વરસભરની દોટનો પૂરો કરી ઓ માણસ,
પધરાવ સ્વયંની અયોધ્યાએ રામ,દિવાળી આવે છે
કર સાફ મનનું માળિયું,ને હટાવ દ્વેષ ઇર્ષાનાં જાળા,
બળવાનું છોડી,પ્રગટાવ સ્નેહ દીપમાળા,દિવાળી આવે છે
બાંધ હૃદયના આંગણે,મીઠા આવકારનું લીલું તોરણ,
વધાવ સૌના રામને અક્ષય પ્રીતપૂર્વક,દિવાળી આવે છે
આવ સજાવીએ કોઈના ચેહરા પર સ્મિતનું ઝુમ્મર,
ખરીદીએ કોડિયાં ને એવું ઘણું એમજ,દિવાળી આવે છે
- નિર્મિત ઠક્કર (૨૪/૧૦/૨૦૨૨)