રામ જાણે, કાલ કોનો તાજ છે,
આપણે તો જીવવાની આજ છે.
જાણવું છે આપને મારા વિશે?
આયનો મારો ખરો હમરાજ છે.
ડાઘ એને લાગવા થોડી દઉં?
ઓઢણી તારી, એ મારી લાજ છે.
એ તો એની રીતે આગળ વધતી જાય,
ક્યાં કશાની લાગણી મોહતાજ છે?
પ્રેમનો પર્યાય સમજી પૂજે સૌ,
વાંસળી આખા જગતનું સાજ છે.
માત્ર ફરકે ત્યાંજ એ ઘાયલ કરે,
શું નશીલા નેણનો અંદાજ છે!
મારા દિલમા માત્ર તું વસતી ,
બોલ, તારા દિલમાં કોનું રાજ છે?