પ્રેમ એટલે સૌથી સુંદર, સકારાત્મક અને સર્વોત્તમ લાગણી. આવી પ્રેમરૂપી લાગણી આપણે જો કોઈ વ્યક્તિ માટે મહેસૂસ કરી શકતા હોય, તો આપણે તે વ્યક્તિના પ્રેમમાં છીએ એમ સમજવું. પણ હવે જો આ પ્રેમરૂપી લાગણીની જાણ માત્ર આપણને જ હોય અને સામે વાળી વ્યક્તિને તેનો ખ્યાલ સુધ્ધા ન હોય, તો તેને " એક તરફી પ્રેમ " માનવામાં આવે છે. પરંતુ આ એક તરફી પ્રેમની તદન સીમિત અને અધૂરી પરિભાષા છે.
અહી સ્પષ્ટ ચિત્ર સમજવા આપણે એકબીજા સાથે રહેતા બે વ્યક્તિનું ઉદાહરણ લઇએ. બંને સાથે રહે છે તેથી એકબીજાના પ્રેમમાં છે તેવું માની લઈએ. તથા પ્રેમમાં છે એટલે એકબીજા પ્રત્યે લાગણી પણ ધરાવતા હશે. પરંતુ પ્રેમમાં રહેલ તે બંનેની એકબીજા માટેની લાગણીની તીવ્રતા ક્યારેય સમાન નહિ હોય. બંને માંથી કોઈ એક વ્યક્તિની સામેવાળી વ્યક્તિ પ્રત્યે લાગણીની તીવ્રતા વધુ હશે. પરંતુ એ સામેવાળી વ્યક્તિ એટલી જ લાગણી અને તીવ્રતા સાથે તે વ્યક્તિને ક્યારેય પ્રેમ ન કરી શકે. જો બંને એકબીજાને સમાન તીવ્રતા સાથે પ્રેમ કરી શકતા હોય, તો એ પ્રેમનું આદર્શ સ્વરૂપ છે, જે વ્યવહારુ જીવનમાં ક્યારેય શક્ય નથી. પણ હા, પ્રમાણમાં ઓછી તીવ્રતાથી પ્રેમ કરતી વ્યક્તિ જો બંનેની એકબીજા માટેની લાગણીઓ વચ્ચે રહેલ તફાવતને ઓછો કરવા પ્રયત્ન કરે તો તે બંને પ્રેમમાં આદર્શ સ્વરૂપની વધુને વધુ નજીક પહોંચી શકે, જેને પ્રેમના ચરમ સ્વરૂપ તરીકે ઓળખાવી શકાય. પંરતુ અહી હકીકત એ છે કે બંનેની પ્રેમરૂપી લાગણીઓ વચ્ચેનો તફાવત પ્રેમના ચરમ સ્વરૂપમાં પણ ઘટીને શૂન્ય નથી થતો. તેથી વ્યવહારુ જીવનમાં પ્રેમ હમેશાં એક તરફી હોય છે. પ્રેમના ચરમ સ્વરૂપ સુધી પણ બહુ ઓછાં પ્રેમીઓ પહોંચી શકે છે.
બીજી એક બાબત પણ અહી સમજવા જેવી છે, કે ' એક બીજા પ્રત્યે રહેલ પ્રેમરૂપી લાગણી ' તથા ' એકબીજા પર સ્થાપવામાં આવતા વર્ચસ્વ ' વચ્ચે વ્યસ્ત સંબધ છે. જે વ્યક્તિની સામેવાળી વ્યક્તિ માટેની લાગણી સરખામણીમાં ઓછી હશે, તેનું એ સંબંધ પૂરતું વર્ચસ્વ સરખામણીમાં વધુ હશે. તેથી બંને વચ્ચે એકબીજા પ્રત્યેની લાગણીનો તફાવત જેટલો ઓછો એટલા પ્રમાણમાં એકબીજા પર હક જમાવવાની કે વર્ચસ્વ સ્થાપવાની વૃત્તિ પણ ઓછી હશે.
- SK's ink (સચિન)