Shraddh Nu Mahatva... Pitru Devo Bhav...🌷🌹💐🦚Part 3
આ કથા ત્રેતા યુગની છે. જ્યારે રામે અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું સ્વરુપ ધારણ કરીને સીતાને ઘાયલ કરી હતી. ત્યારે રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી. જ્યારે તેમણે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે શ્રી રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન સીધું જ પિતૃઓને મળશે.
ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરાયો છે. કાગડાને ભોજન કાગવાસ તરીકે આપવા પાછળ એવું મનાય છે કે કાગડાએ કરેલ ભોજન સીધુ પિતૃ સુધી પહોંચે છે અને જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમનાં આશીર્વાદ મળે છે. આ તો થઇ આપણી ધાર્મિક માન્યતા પણ નવી પેઢીને હંમેશા ધાર્મિક માન્યતાની સાથે પર્યાવરણ સબંધિત કે વૈજ્ઞાનિક તથ્ય વધુ મગજમાં બેસે છે.
તો એની પાછળ આ પક્ષીનું મહત્વ પણ જાણીયે. મોટા ભાગે કાગડાઓ ભાદરવા મહિનામાં ઇંડા મુકે છે. આ નાના નાના બચ્ચા હજી જંતુઓ પચાવવા માટે સક્ષમ નથી હોતા. તેથી કાગડાનાં બચ્ચાઓ કાગવાસ થકી પોષણ મેળવે છે અને તેના બચ્ચાઓને પોષણરુપે ખીરનો ખોરાક મળી જાય છે અને કાગડાઓની નવી જનરેશન ઉછરી જાય છે.
કાગડાઓ સૃષ્ટિને સ્વચ્છ કરવામાં મહત્ત્વની ભુમિકા ભજવે છે. સાથે તેઓ પીપળા અને વડને ઉગાડવામાં પણ મદદ કરે છે. આ બંને વૃક્ષોનાં ટેટા કાગડો ખાય છે અને તેના પેટમાં પ્રોસેસ વડે તેને બહાર કાઢે છે અને તેની ચરક જ્યાં પડે ત્યાં વડ અને પીપળો ઉગી નીકળે છે. આ બંને વૃક્ષોનું મહત્વ આપણે ક્યાં નથી જાણતા.
શક્ય હોય તો આ બધી માન્યતા કે રીતિ-રિવાજો વિશે આપણે પણ માહિતી મેળવીયે અને આપણી સંસ્કૃતિનો આ અમૂલ્ય વારસો આવનારી પેઢી પણ જાળવે એ માટેની સાચી સમજ આપીયે. કોઈ પણ ધાર્મિક પર્વ કે રીતિ-રિવાજો પાછળ એની સાથે જોડાયેલાં વૈજ્ઞાનિક કે પર્યાવરણીય પાસાઓ સંબંધિત સાચી માહિતી આપીશું તો આવનારી પેઢીમાં શ્રદ્ધાનાં બીજ ચોક્કસ રોપાશે.
આશા રાખું છું કે આપણે બધા સમજણ પૂર્વક શ્રાધ્ધ પક્ષને શ્રધ્ધાથી પાર પાડીશું..!!
- વૈભવી જોશી