Shraddh Nu Mahatva...Pitru Devo Bhav...🌷🌹💐🦚 Part 2
શ્રાધ્ધ કરવાની પરંપરા આજકાલની નથી. મહાભારત કાળ પહેલાં થઈ ગયેલાં રામાયણ કાળમાં પણ શ્રાદ્ધ વિધિનું વર્ણન સાંભળવા મળ્યું છે. રામચરિત માનસમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી રામે રાજા દથરથનું શ્રાદ્ધ કર્યું હતું. માતા સીતા પાસે ગયાજીમાં નદીમાંથી બે હાથ પિંડદાન લેવા માટે લંબાવવામાં આવ્યા હોવાનું સુવિદિત છે. રામ સાધન સામગ્રી લેવા ગયા હોવાથી નદી કિનારે બેઠેલા સીતા માતા પાસે કશું જ ન હોવાથી રેતનાં પિંડનું દાન કર્યું હોવાનું અને રાજા દશરથની મુક્તિ થઈ હોવાનો ઉલ્લેખ પણ મળે છે.
આ ઉપરાંત મહાભારતનાં અનુસાશન પર્વમાં પણ ભિષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્ધ વિશે ઘણી એવી વાતો જણાવી હતી જે વર્તમાન સમયમાં ઘણા ઓછા લોકો જાણે છે. મહાભારત પ્રમાણે, સૌથી પહેલો શ્રાદ્ધનો ઉપદેશ મહર્ષિ નિમિને મહાતપસ્વી અત્રિ મુનિએ આપ્યો હતો. આમ સૌથી પહેલા શ્રાદ્ધની શરૂઆત મહર્ષિ નિમિએ કરી હતી. ત્યારબાદ અન્ય મહર્ષિઓ પણ શ્રાદ્ધ કરવા લાગ્યા. ધીમે ધીમે ચારે વર્ણનાં લોકો શ્રાદ્ધમાં પિતૃઓને અન્ન આપવા લાગ્યા. લગાતાર શ્રાદ્ધનું ભોજન કરતા-કરતા દેવો અને પિતૃઓ પૂર્ણ તૃપ્ત થઈ ગયા.
હિન્દુ ધર્મમાં ત્રણ પ્રકારનાં ઋણ વિશે જણાવામાં આવ્યું છે, દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. આ ત્રણે ઋણમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાધ્ધવિધિ હિન્દુ ધર્મનુ અભિન્ન અંગ છે. સમય અને સંજોગો અનુસાર તેમાં થોડા ફેરફાર ચોક્કસ આવ્યા છે, પરંતુ શ્રાધ્ધપક્ષમાં કાગવાસ નાખવાની પ્રથા હજી આજે પણ યથાવત છે.
શ્રાદ્ધ પક્ષમાં જમણવારમાં દૂધપાક કે ખીરનો જ આગ્રહ રાખવામાં આવે છે એની પાછળ એનું વૈજ્ઞાનિક તથ્ય રહેલું છે. તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રાકૃતિક સમન્વયની ભાવના છે. ભાદરવા મહિનામાં કફ અને પિત્તનાં રોગો વધુ પ્રમાણમાં થાય છે. ખીર તેને શાંત પાડવાનું કામ કરે છે. વરસાદ પછી પડતાં આકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે જેના ભરાવાથી વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા કરે છે અને તેનું શમન અનિવાર્ય છે. માટે જ દૂધપાક કે ખીર બનાવીને આ ૧૫ દિવસ સુધી ખાવામાં આવે છે જેથી આ બધા વિકારોનું શમન થઈ જાય.
હું નાની હતી ત્યારે મને હંમેશા આ પ્રશ્ન થયા કરતો કે હંમેશા કાગડાને જ કેમ બીજું કોઈ પક્ષી કેમ નહિ? કદાચ આજે પણ આ પ્રશ્ન ઘણા બધાનાં મનમાં થતો જ હશે ખાસ કરીને આવનારી પેઢીને. તો મને થયું આજે થોડીક વાત કાગવાસ વિશે પણ કરું. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર કાગડાને દેવપુત્ર માનવામાં આવે છે. માન્યતા એ પણ છે કે ઈન્દ્રનાં પુત્ર જયંતે જ સૌથી પહેલાં કાગડાનું સ્વરુપ ધારણ કર્યું હતું.