બાળકો ભગવાનનું સ્વરૂપ છે એવું તો તમે સાંભળ્યું છે, પણ બાળકો ઘણી વખત વિકટ અને અઘરી પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે એ તમને આ ઘટના પરથી જણાશે .
એકવાર હું અને મારો મિત્ર સંદીપ અમારા એક મિત્ર પ્રિતેશના ઘરે ગયા. ઘણા સમયથી એનો અને ભાભીનો આગ્રહ હતો કે તમે તો આવતા જ નથી. એટલે અમને થયું ચાલો જઈ આવીએ.
હું અને સંદીપ એના ઘરે પહોંચ્યા તો બહાર એની દીકરી રમતી હતી.
મેં એને ચોકલેટ આપી તો એ ખુશ થઈ ગઈ. હું એને તેડીને ઘરમાં ગયો. ત્યાં આગતા સ્વાગતા થઈ. દીકરી મારા ખોળામાં બેઠી હતી અને રિસાયેલી હોય એમ લાગતું હતું એટલે મેં મૂડ હળવો કરવા એને પૂછ્યું બેટા તું કોની દીકિ?મમ્મીની કે પપ્પાની.
તો એ કે' તમારી.
આખા રૂમમાં સન્નાટો. બધા મારી સામે જુએ. એમાં પણ સંદીપ તો એવી રીતે જોતો હતો જાણે કે મારું કોઈ સિક્રેટ ખુલી ગયું હોય. મારા તો હોશ ઉડી ગયા.
મેં મામલાને હળવો કરવા કહ્યું, "એ તો મેં ચોકલેટ આપી એટલે એમ કહે છે."
પેલો સંદીપ મને બહાર નીકળ્યા પછી કે' આ શું હતું.
મેં કહ્યું, "શું?"
એ કહે, "પ્રિતેશની છોકરી કહેતી હતી એ."
મેં કહ્યું, "બે શું તું પણ. બાળકોતો નાદાન હોય છે."
મને કે' નાદાન નહીં ભગવાનનું રૂપ હોય છે અને ભગવાન ખોટું ના બોલે.
મેં કહ્યું," અલા, આમાં મારો કોઈ હાથ નથી. "
મને કટાક્ષમાં કહે, " એ તો મને ખબર છે આમાં હાથ ના હોય..."