વર્ષાગીત: "વર્ષાની રૂમઝૂમતી રાત"
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
એવી વ્હાલપની વાત રંગભીની.
આકાશે વીજ ઘૂમે,
હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
બાજે અજસ્ત્રધાર,
વીણા સહસ્ત્રતાર,
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
ઓ રે વિજોગ વાત!
રંગ રોળાઈ રાત,
નેહભીંજી ચૂંદડી ચૂવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
કવિ શ્રી ઉમાશંકર જોશી
શ્રી ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કવિતા ભાવાર્થ: વરસાદની ઋતુ આવે છે.મનમાં ધરબી રાખેલા ભૂતકાળ અને વર્તમાનના ભીના ભીના સ્પંદનો બહાર આવે છે અને નવા નવા સ્પંદનો સર્જાવવાની તૈયારી શરૂ થાય છે.વર્ષા ની એક રંગભીની રૂમઝૂમતી રાત સ્મૃતિ પટલ પર સ્વપ્નો ની બિછાત ફેલાવી દે છે. આ ગીત ની એક પછી એક કડી વ્હાલપ ની વાત થી પ્રિયતમ ના વિયોગ માં છેક રોળાઈ જતી રાત સુધી લઈ જાય છે.
ભાવાર્થ અને પ્રસ્તુતિ: ડો ભૈરવસિંહ રાઓલ