હશે સઘળું સુંદર, છતાં એની તોલે ન આવે!
ગઝલ તો ગઝલ છે! બધા એની તોલે ન આવે.
ઝૂકે લાજથી એની પાંપણ અને હોઠ મલકે!
બીજી કોઈ મોંઘી મજા એની તોલે ન આવે!
લઉં શ્વાસમાં રાતદિન બસ સ્મરણ એક એના
જીવાડે ભલે, પણ હવા એની તોલે ન આવે!
એ આવીને જો 'કેમ છો' બુંદ બે પીવડાવે,
તબીબો! હકીમો! દવા એની તોલે ન આવે!
રહી સ્થિર પોતે મને ડગમગાવે બે આંખો
તું રહેવા દે સાકી, સુરા એની તોલે ન આવે
ઘડી બે ઘડી પણ મળી જાય એ જો સફરમાં
મને માફી આપે, ખુદા એની તોલે ન આવે!
નજર મેળવીને નજર ફેરવી લે છે જયારે
જનમટીપનીયે સજા એની તોલે ન આવે
- અંજના ભાવસાર 'અંજુ'