કવિતા:હરિવર ઊતરી આવ્યા નભથી
હરિવર ઊતરી આવ્યા નભથી,
ગાતા મેઘમલ્હાર,
જળ વરસ્યું ને થયો ,
હરિનો સીધો સાક્ષાત્કાર.
ફૂંક હરિએ હળવી મારી,
ગાયબ બળભળ લૂ,
શ્વાસ હરિના પ્રસર્યાં,
માટી સ્વયં બની ખુશ્બૂ.
ખોંખારો હરિએ ખાધો,
ને વાદળ ગરજ્યાં ઘોર,
સ્હેજ વાંસળી હોઠ અડાડી,
ટહૂક્યાં મનભર મોર.
ત્રિભુવન મોહન નેત્રપલક ને,
ઝળળ વીજ ચમકાર,
જળ વરસ્યું ને થયો ,
હરિનો સીધો સાક્ષાત્કાર.
વાદળમાં ઘોળાયો હરિનો,
રંગ સભર ઘનશ્યામ,
હરિ પગલે આ ગલી બની ,
શ્રાવણનું ગોકુળ ગામ.
પ્રેમ અમલ રસ હરિને હૈયે ,
તેનું આ ચોમાસું,
નામસ્મરણ ને શબ્દે ,
નભને નેણથી વહેતાં આંસુ.
મેઘધનુષ માં મોરપિચ્છના ,
સર્વ રંગ સાકાર,
જળ વરસ્યું ને,
થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
કવિ:ભગવતીકુમાર શર્મા ટુંક પરિચય:
ભગવતીકુમાર શર્મા (૩૧ મે ૧૯૩૪ – ૫ સપ્ટેમ્બર ૨૦૧૮) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, નવલિકાઓ/ટૂંકી વાર્તાઓ, કવિતાઓ, છંદો ,સંપાદન અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
પ્રસ્તુતિ: ડો ભૈરવસિંહ રાઓલ