કે પ્રણય ઘેર આવે, એવું પણ બને
ને તાળું એને વધાવે, એવું પણ બને
કે સૂરજની વાટમાં પરોઢે હું બેસી રહું
ને ધુમ્મસ મને અંધારે, એવું પણ બને
બહેક્વાની આશે સતત ડગમગ્યા કરું
ને ખાલી પ્યાલો નચાવે એવું પણ બને
હું શ્વાસ રોકી બેઠો રહું અંધારે, અને
શ્વાસ ચુકી જાઉં સવારે, એવું પણ બને
ને બને એવુંય કે, ભૂલ હું કરું એવી
જે મનગમતું વર્તાવે, એવું પણ બને
મળે નજર એમની, એવી રીતે અંતે કે
થાક સઘળોય ઊતારે, એવું પણ બને
વરસું હું એકલો ને ગામ આખું ભીંજાય
કોરા એ રહી જાય પરાણે, એવું પણ બને