"લેખક"
જિંદગીને પૂરેપૂરી નીચોવી નાખીને છેલ્લા ટીપાંનો પણ સાર સમજાવી જાણે...
ને રંગમંચના નાટકથી લઈને કોરા ધાકોર વાદળોનો મર્મ દર્શાવી જાણે...
ક્યાંક અગાધ પ્રેમ લીલાનો ચિતાર,
તો ક્યાંક કાવાદાવાઓનો ભાર કંડારી જાણે...
ક્યાંક હાસ્ય-વ્યંગ, ક્યાંક કિરદારી જંગ,
તો ક્યાંક એક-એક લીટીએ શબ્દતરંગ મઢાવી જાણે...
ક્યાંક મઠારે તોરણ લીલાં,
ને ક્યાંક ઢીલાં સંબંધ પણ નિભાવી જાણે...
લાખ ભીંસમાં ઘૂંટાતો એ જીવ ભલે,
કાંડાના કામણેય ટપકાવી જાણે...
ક્યાંક અતિનું રચાય ઝરણું અવિરત,
ને ક્યાંક વળી ખૂટતાં અટામણ ભુલાવી જાણે...
સમાહિત નવરસ જેની કલમે...Nidhi
એક-એક પાત્રને જીવંત આલેખી જાણે...
ભીતરે ચાલતા ચક્રવાતમાં, રખેને મારણ થાય જો,
અધમરા એ ખોળિયા વહારે શબ્દદેહ પુરાવી જાણે !